અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં દિન-પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. રોબરોજની ખાદ્ય-વસ્તુઓમાં પણ જીએસટીના ભારણથી મોંઘવારી વધી છે. જ્યારે બીજી બાજુ સ્કૂલ અને ઓફિસ સ્ટેશનરી સહિતની આઈટમોમાં 18 ટકા GSTના અમલના પગલે ચાલુ વર્ષે સ્ટેશનરીના ભાવોમાં તોતિંગ 40 ટકા જેટલો વધારો થયો છે. માત્ર GST નહીં, પરંતુ કાગળનો ભાવ વધારો અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ થયેલા વધારાના પગલે છેલ્લા 30થી 40 વર્ષમાં પહેલીવાર એક વર્ષમાં આટલો જંગી વધારો થયો છે. સ્ટેશનરીની અગાઉ જે વસ્તુઓ પર 5 ટકા કે 12 ટકાનો GST લેવાતો હતો તેની પર હવે 18 ટકા GST લેવાશે. જેથી વાલીઓ પર બોજો વધ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશના નાણા મંત્રાલય દ્વારા GSTના દરોમાં કરેલા ફેરફારમાં સ્કૂલ સ્ટેશનરી અને ઓફિસ સ્ટેશનરીના દરો પણ 18 ટકા કરી દીધા છે. GSTના દરોમાં થયેલા વધારા બાદ સ્ટેશનરીના ભાવોમાં ચાલુ વર્ષે 40 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. સ્ટેશનરીમાં પેન, પેન્સિલ, રબર, સંચા અને નકશા સહિતની બધી વસ્તુઓ 18 ટકાના સ્લેબમાં લાવી દેવામાં આવી છે. અગાઉ આ પૈકી અમુક વસ્તુઓ 5 ટકાના સ્લેબમાં અને અમુક 12 ટકાના સ્લેબમાં આવતી હતી. જોકે, હવે તમામ વસ્તુઓ 18 ટકાના સ્લેબમાં આવતા તેના ભાવોમાં વધારો થયો છે. છેલ્લા 30થી 40 વર્ષના ઈતિહાસમાં સ્ટેશનરીના ભાવોમાં થયેલા વધારામાં આ વખતે પહેલીવાર 40 ટકા જેટલો તોતિંગ વધારો થયો હોવાનું સ્ટેશનરી એસો. દ્વારા કહ્યું હતું. ભાવ વધારા પાછળ માત્ર GST નહીં, પરંતુ કાગળના ભાવો અને ટ્રાન્સપોર્ટેશનમાં વધારો પણ કારણભૂત છે. અગાઉ કાગળ રૂ. 60 કિલોના ભાવે મળતા હતા. પરંતુ હાલમાં તેના ભાવ રૂ. 90 સુધી પહોંચી ગયા છે. આમ, કાગળના ભાવમાં જ 50 ટકા જેટલો વધારો થયો છે. કાગળના ભાવ વધારાની અસર પુસ્તકો, નોટબુક સહિતની સ્ટેશનરી પર પડી છે.
આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનના ભાવોમાં પણ વધારો થયો છે. દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારા બાદ સ્ટેશનરી માટેના ટ્રાન્સપોર્ટેશનના ભાડા પણ વધ્યા હતા. અગાઉ જે ટ્રાન્સપોર્ટેશનના રૂ. 4 હજાર થતાં હતા તેના હાલમાં રૂ. 6 હજાર સુધીનું ભાડુ લેવામાં આવી રહ્યું છે. આમ, ટ્રાન્સપોર્ટેશનમાં પણ સરેરાશ 30થી 40 ટકાનો વધારો નોંધાયો છે. જેના પગલે સ્ટેશનરીના ભાવોમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ પર 18 ટકા જેટલો GSTનો દર કરી દેવામાં આવતા વાલીઓ પર આર્થિક બોજો પડશે. સ્ટેશનરીની અમુક વસ્તુઓ અગાઉ 5 ટકાના સ્લેબમાં હતી તેની પર 13 ટકા અને 12 ટકાના સ્લેબમાં હતી તેની પર 6 ટકા જેટલો સ્લેબ વધ્યો છે. જેથી આ સ્લેબના વધારાના લીધે વાલીઓને સ્ટેશનરી પાછળ વાર્ષિક રૂ. 1200થી રૂ.1500 જેટલો વધારાનો ખર્ચ આવશે. શિક્ષણની વસ્તુઓ પર GSTના દરો વધારવામાં આવતા ભણતર પર ભાર પડશે. નાણા મંત્રાલયે બાળકોને તથા શિક્ષણને ધ્યાને રાખીને વધારો કર્યો ન હોય તો વાલીઓ પર આર્થિક બોજો પડ્યો ન હોત. શિક્ષણ સાથે સંકળાયેલી વસ્તુઓ પર GSTના દર વધારવામાં આવતા વાલીઓને આર્થિક ફટકો પડશે અને શિક્ષણ વધુ મોંઘુ થશે