અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં વૃક્ષા રોપણના દાવાઓ વચ્ચે મનપાએ પાંચ વર્ષમાં વિકાસના નામે 7251 જેટલા વૃક્ષોને કાપવની મંજુરી આપી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યું છે. એટલું જ નહીં બાગ-બગીચાની પણ યોગ્ય જાળવણી કરવામાં નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદ મનપાના વિપક્ષી દળ કોંગ્રેસે જણાવ્યું હતું કે, એકતરફ મનપા “Beat the heat” નામનું કેમ્પેઇન ચલાવે છે શહેરમાં ઠેર ઠેર બેનર લગાવી જાહેરાત કરવામાં આવે છે. બીજીતરફ વિકાસના નામે હજારો વૃક્ષો કાપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી ના રાજમાં બગીચાઓ અને તળાવોની પરિસ્થિતિ હાલમાં ખુબ જ ચિંતાજનક છે. તળાવ સુકાઈ ગયા છે તેની જાળવણી કરવામાં આવતી નથી. અમદાવાદ મ્યુનિ. કો. દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ ચોમાસા બાદ આશરે 40% થી વધુ વૃક્ષો જાળવણી ન થતા બળી જાય છે. જે સાબીત કરે છે કે ભારતીય જનતા પાર્ટીને વાહવાહી લુટવા ફકત વૃક્ષો રોપવા અને બગીચાઓ બનાવવામાં જ રસ છે પરંતુ વૃક્ષો કે બગીચાઓની સાર સારસંભાળ, જાળવણી કરવામાં કોઇ જરાય રસ નથી કેમ કે છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7251 વૃક્ષો કાપવા માટે મંજુરી આપવામાં આવેલ છે.
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કૉકીટના જંગલો વચ્ચે મનપા શહેરને ગ્રીન કવર, ગ્રીન સીટી બનાવવાની વાતો કરે છે પરંતુ હાલમાં વૃક્ષો બળી રહ્યા છે અને તળાવો સુકાઈ ગયા છે. શહેરમાં હવા અશુદ્ધ છે અને શહેરના નાગરીકો આ ઝેરીલી હવા લઇ રહયા છે. જેના કારણે દિન પ્રતિ દિન શ્વાસ, દમ અને ફેફસાના દર્દીઓમાં વધારો થતો જાય છે જે શહેરના નાગરીકો માટે ચિંતાનો વિષય છે. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા દર વર્ષે બજેટમાં કલીન સીટી, ગ્રીન સીટી, ઝીરો વેસ્ટ સીટી અને પોલ્યુશન ફી સીટી તથા ડસ્ટ ફી સીટી બનાવવાની ધણા વર્ષોથી જાહેરાત તો થાય છે પરંતુ તેની સામે માત્ર આંશિક અમલ થાય છે આ કારણથી અમદાવાદ શહેરમાં દિવસે અને દિવસે હવાના પ્રદુષણની માત્રા સતત વધતી જાય છે. અમદાવાદ શહેરમાં Air Quality Index (AQI) દિવસે દિવસે ખરાબ થઈ રહ્યો છે. આ અંગે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટનો પુરો લાભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લઇ શકતી નથી જે ભારતીય જનતા પાર્ટીની વહીવટી નિષ્ફળતા બતાવે છે.