રાજ્યમાં ભાવનગર સહિત ચાર શહેરોમાં પેટ્રોલના ભાવ 100થી વધુ, 13 શહેરોમાં પેટ્રોલ 99 રૂપિયે લિટર
અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેના લીધે અન્ય ચીજ-વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. ભાવનગર, વેરાવળ, કોડીનાર અને ઊનામાં પ્રતિલિટર પેટ્રોલનો ભાવ 100.27 સુધી પહોંચી ગયો હતો. તેવી જ રીતે રાજ્યના 13 શહેરોમાં પેટ્રોલનો ભાવ 99ની સપાટી વટાવી ગયો હતો. અન્ય શહેરોમાં પણ પેટ્રોલનો ભાવ 98ને પાર રહેવા પામ્યો હતો. ડીઝલનો ભાવ પણ 98-99ની આસપાસ નોંધાયો હતો. આગામી દિવસોમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ પેટ્રોલનો ભાવ 100 થવાની પૂરી શક્યતા છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમા ભારે વધારો થવા પામ્યો છે. ભાવનગર શહેરમાં આજે પેટ્રોલનો ભાવ રૂ. 100.22 પૈસા પર પહોંચ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ રૂ. 98.38 પૈસા પર પહોંચ્યો છે. ભાવનગર જિલ્લામાં 160થી વધુ પેટ્રોલ પંપ આવેલા છે અને દરરોજ લાખો લીટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવો વધવાના કારણે લોકોને ભારે મુશ્કેલી વધી રહી છે. દિનપ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં પેટ્રોલ સદી પુરી કરી છે. પેટ્રોલનો ભાવ 100.23 રૂપિયા થઈ ગયો છે. જોકે, પેટ્રોલ અને ડિઝલમાં વધતા જતા ભાવોને લઈને હવે આમ જનતાને જીવવું મુશ્કેલ બની ગયું છે. પેટ્રોલ ડીઝલના ભાવો વધતા જીવન જરૂરી વસ્તુના પણ ભાવો વધી રહ્યા છે ત્યારે લોકોને ફરી સાયકલ યુગ તરફ વળ્યાં હોય તેમ લાગે છે. ત્યારે હવે લોકો ફરી સાયકલ યુગ પાછા વળશે.