Site icon Revoi.in

ભર ઉનાળે છોટા ઉદેપુર, માંડવી, ઉંમરપાડા, આણંદ, ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં માવઠું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે માવઠાએ આફત સર્જી છે. શુક્રવારે રાજ્યના છોટા ઉદેપુર ખેડા, નવસારી, આણંદ, ભાવનગર, સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની આગાહી કરી છે.

ગુજરાતમાં 13મીથી 15મી એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાપમાનમાં વધારો થયો હતો. અને અમદાવાદ સહિત શહેરોમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારબાદ તા.26મી એપ્રિલને શુક્રવારથી ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. છોટા ઉદેપુર ખેડા, નવસારી, આણંદ, ભાવનગર, સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારીના બીલીમોરા શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. બીલીમોરામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની બાઈક રેલીમાં વરસાદ શરૂ થતાં લોકો ભીંજાઇ ગયા હતા. વડોદરામાં ન્યુ વીઆઈપી રોડ, સરદાર એસ્ટેટ, આજવા રોડ સહિત શહેરમાં ઠેકઠેકાણે વરસાદી માહોલને લઈ છૂટાછવાયાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. નર્મદા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા. ત્યારે દેડીયાપાડા સહિત તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. તેમજ પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા બે દિવસથી અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહેલા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. તો ખેતરોમાં મકાઈનો પાક ખુલ્લો પડેલો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનાકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર,આગામી 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.