1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીધામમાં એક કરોડથી વધુની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો, 6 આરોપીને દબોચી લેવાયા
ગાંધીધામમાં એક કરોડથી વધુની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો, 6 આરોપીને દબોચી લેવાયા

ગાંધીધામમાં એક કરોડથી વધુની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો, 6 આરોપીને દબોચી લેવાયા

0
Social Share

ભુજઃ પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં ગત 22મી મેના દિવસે પી.એમ.આંગડિયા પેઢીમાં પિસ્ટલના નાળચે ચાર હેલ્મેટધારી શખસોએ કરેલી એક કરોડ પાંચ લાખ રૂપિયાની ચકચારી લૂંટના ગુનાનો ભેદ પોલીસે ડિજિટલ સર્વેલન્સની મદદથી માત્ર 10 દિવસમાં ઉકેલી, કર્ણાટકના બેંગ્લોર, ઉત્તર પ્રદેશના લખનૌ અને બનાસકાંઠાના અમીરગઢથી ત્રણ મળી આ ગુનામાં સામેલ 12માંથી 6 લૂંટારાઓને ઝડપી પાડ્યાં છે, બાકીના 6ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ સનસનીખેજ લૂંટ બાદ આરોપીઓ મીઠીરોહર બાજુ મોટરસાઇકલ લઈને ભાગ્યા તે રૂટ તેમજ લૂંટ કરતાં અગાઉ જે રસ્તા પરથી આવેલાં તેના સી.સી.ટી.વી ફૂટેજીસને કલાકો સુધી તપાસવામાં આવ્યા હતા. આ બધી દોડધામ વચ્ચે મીઠીરોહર નજીક શિવમ્ પ્લાય નજીક બાવળોની ઝાડીમાંથી બે નવી નક્કોર હેલ્મેટ મળી આવતાં પોલીસ દળે ગાંધીધામમાં અલગ અલગ હેલ્મેટ વિક્રેતાઓ પાસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ગત 16મી મેના રોજ આવેલા એક હિન્દીભાષી  શખ્સે એક સાથે ચાર હેલ્મેટ ખરીદયાં હતાં. મેઈન લીડ મળતાં પોલીસે મીઠીરોહરને કેન્દ્રમાં રાખ્યું હતું અને અહીંના પેટ્રોલ પમ્પ, દુકાનોમાં લાગેલાં સી.સી.ટી.વી. કેમરાઓના ફૂટેજ એકત્ર કરી તપાસ કરતાં લૂંટના થોડાં સમય અગાઉ એક ટાટા ઈન્ડિગો કાર અને લૂંટમાં વપરાયેલી બે મોટર સાયકલ જોવા મળી હતી. જેમાં કાર ચાલક કારની ડેકી ખોલી બાઈકચાલકોને જેકેટ અને હથિયાર આપતો હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારબાદ કારચાલક સાથે ટૂંકા વાર્તાલાપ બાદ ચારે લૂંટારા બે મોટર સાયકલ પર લૂંટને અંજામ આપવા રવાના થઈ ગયા હતા. પોલીસે લૂંટમાં વપરાયેલાં મોટરસાઈકલને ટ્રેસ કરી શકી નહોતી, તેથી ઈન્ડિગો કારમાં રહેલા શખ્સની ઓળખ ગણતરીના કલાકોમાં થઇ હતી જેમાં ઉજ્જવલ અમરેન્દ્ર પાલ નામનો લૂંટના માસ્ટર માઈન્ડને પકડી લેવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 32 વર્ષનો  ઉજ્જવલ પાલ મૂળ ઉત્તરપ્રદેશના સંત કબીરનગરનો વતની છે, અને છેલ્લાં  સાત વર્ષથી તે પડાણાની સીમમાં તેના  સંબંધીની માલિકીની તિરુપતિ ડૉર કંપનીનું સંચાલન કરે છે. ઉજ્જવલ અવારનવાર નાણાંના હવાલાની લેતી-દેતી કરવા ગાંધીધામના  પી.એમ આંગડિયા પેઢીમાં જતો હતો. ગત વર્ષથી તેણે અહીં લૂંટ કરવાની યોજના બનાવી હતી અને આ માટે તેણે યુપીના ગોરખપુરમાં રહેતાં પોતાના ખાસ સાગરીત યોગેન્દ્ર ઊર્ફે યોગી પહેલવાન શ્યામલાલ ચૌહાણને એક માસ અગાઉ બોલાવ્યો હતો. યોગી સામે 2021-22માં યુપીના ચાર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, મારામારી, લૂંટના પાંચ ગુના નોંધાયેલાં છે. 2016માં ત્યાં થયેલી કરપીણ હત્યાના એક ગુનામાં પાછળથી ઉજ્જવલનું નામ ખુલ્યું હતું અને વર્ષ 2021માં પોલીસે ઉજ્જવલની ધરપકડ કરી હતી. તેના જેલવાસ દરમિયાન યોગી પહેલવાન અને તેના વચ્ચે મિત્રતા થઇ હતી. ઉજ્જવલે લૂંટના આયોજનમાં હનીફ ઈસ્માઈલ સોઢા (રહે. મીઠીરોહર)ને પણ સામેલ કર્યો હતો. લૂંટને અંજામ આપવા માટે મધ્યપ્રદેશ ખાતે રહેતાં યોગીના મિત્ર નઈમખાન ઊર્ફે સુદુએ પિસ્ટલો મેળવી હતી જેને લઇ આવવાનું કામ મૂળ જામનગરના લાલપુરના વતની અને મીઠીરોહરની ફેકટરીમાં કામ કરતા વિપુલ રામજીભાઈ બગડાને સોંપવામાં આવ્યું હતું. પિસ્તલો લેવા સેંધવા જવા માટે મેઘપર બોરીચીમાં રહેતા અને છૂટક ડ્રાઈવીંગ કરતાં મૂળ વાયોરના ઉકીરના વતની હનીફ સીધીક લુહારની ટાટા ઇન્ડિકા વિસ્ટા કારને ભાડે કરી, લૂંટનો માસ્ટરમાઈન્ડ ઉજ્જવલ, યોગી અને વિપુલ મધ્યપ્રદેશના સેંધવા જઈ પાંચ પિસ્ટલ ખરીદી લાવ્યા હતા. યોગીએ લૂંટને અંજામ આપવા યુપીના આંબેડકર નગરમાં રહેતાં મુકેશસિંગ ઊર્ફે બીપી અને શિવમ સુભાષ યાદવને ગાંધીધામ બોલાવ્યાં હતાં. આમ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી દીધો છે. પોલીસે કુલ 96.90  લાખ રોકડાં સાથે ગુનામાં વપરાયેલી ઈન્ડિગો કાર, ઈન્ડિકા કાર, બોલેરો પીકઅપ, ચાર પૈકી બે મોટર સાયકલ, પાંચ પિસ્ટલ અને 47 કાર્ટ્રીજ, સેટી પલંગ,6 મોબાઈલ ફોન મળી 1 કરોડ 7લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code