Site icon Revoi.in

ગાંધીધામમાં ચોર હોવાની શંકાથી બે યુવકોને શ્રમિકોએ માર મારતા એકનું મોત

Social Share

ગાંધીધામઃ શહેર નજીક જીઆઈડીસીમાં આવેલી એક ફેકટરીમાં બે યુવાનોએ પ્રવેશ કર્યો હતો. એટલે બન્ને યુવાનો ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાનું માનીને ફેકટરીમાં કામ કરતા શ્રમિકોએ બન્ને યુવાનોને પકડીને ઢોર માર મારતા એક યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેનુ મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં ગાંધીધામ પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને આઠ જેટલા પરપ્રાંતિય શ્રમિકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જાય છે. શહેરના જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલાં બે યુવકોને સ્થાનિક શ્રમિકોએ પકડી પાડી ઢોર માર મારતા એકનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનામાં અન્ય એક જણને ફ્રેકચર સહિત વિવિધ અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. નવા વર્ષના દિવસે બનેલી ઘટના અંગેની ફરિયાદ શહેરના બી ડિવિઝન મથકે નોંધાઈ હતી. હત્યાના આ બનાવમાં પોલીસે 8 પરપ્રાંતીય આરોપીઓની અટકાયત કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ રાપર તાલુકાના મોટી હમીરપરનો વતની અને ગાંધીધામની કાર્ગો ઝૂંપડપટ્ટીના આઝાદનગરમાં રહેતો 31 વર્ષિય કાનજી વેલાભાઈ ગોહિલ નવા વર્ષની સવારે 11 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતા મિત્ર મુકેશ છગન કોલી (ઉ.વ. 27) સાથે જીઆઈડીસીમાં આવેલી ઓમ ઈન્ડસ્ટ્રીઝમાં ચોરીના હેતુથી રેકી કરવા અંદર ઘૂસ્યાં હતાં. ફેક્ટરીમાં રહેતા પાંચથી આઠ જેટલાં મજૂરોએ બન્નેને ઘેરી લીધાં હતાં. કંપનીના હિન્દીભાષી કામદારોએ આ બન્ને જણાંને ધોકા અને મુક્કા લાતોથી ઢોર માર મારી ઘાયલ કરી મુક્યા હતાં. બનાવની જાણ થતાં પોલીસન સ્થળ પર દોડી ગઈ હતી અને કાનજી તથા મુકેશને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં. જ્યાં ગંભીર ઈજા પામેલા મુકેશને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે તેના સાથી કાનજીને પગમાં ફ્રેકચર સહિત વિવિધ અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગત રાત્રે આઠ આરોપીઓની અટક કરી લીધી હતી. જેમાં મૂળ બિહારને યુપી રાજ્યના સુભાષ મદન અગ્રવાલ, અમિયા રવીન્દ્રનાથ મંડલ, ગુલશનકુમાર જ્ઞાની મહંતો, વીરેન્દ્ર બંકી યાદવ, ભોલું બંકી યાદવ, શંકર છોટેલાલ ગુપ્તા, રાજકુમાર રામાયણ યાદવ અને રમેશ ચંદ્રિકા યાદવ સામે હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ એસવી ગોજીયાએ હાથ ધરી છે.