Site icon Revoi.in

ગાંધીનગરમાં સંત સરોવર છલોછલ ભરાવાની તૈયારીમાં, 14 ગામોને એલર્ટ કરાયા

Social Share

ગાંધીનગરઃ શહેરના સાબરમતી નદી અને સંત સરોવરમાં પાણીની ભારે આવક થતાં તેના કમાન્ડ એરિયામાં આવતાં 14 ગામોમાં ગાંધીનગર મામલતદાર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંત સરોવર છલોછલ છલકાવવાની તૈયારીમાં છે. નદીકાંઠાના ગામોમાં કોઈ દુર્ધટના ન સર્જાય તેને લઈને તંત્રે નદી કિનારે વસેલાં ગામોને સાવધાની રાખવા માટે તાકીદ કરી છે.

ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે સાબરમતી નદીના પરના સંત સરોવરમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો ભરાય ગયો છે. જેથી પાણીમાં તણાઈ જવા કે પછી ડૂબી જવાની ઘટનાઓ ન નોંધાય તેને લઈને તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. સાબરમતી નદી અને સંત સરોવરના કમાન્ડ વિસ્તારની નજીકમાં વસતાં 14 ગામોના ગ્રામજનોને સાવચેતી રાખવા જણાવાયુ છે.દરમિયાન હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી કરીને સંત સરોવર અને સાબરમતી નદીમાં હજુ પણ પાણીનો જથ્થો વધવાની સંભાવના છે. તંત્ર દ્વારા નદી કિનારે પાણી જોવા જવા, ફરવા, નદીમાં નાહવા કે પછી માછીમારી જેવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરવા માટેની સૂચના આપીને જાનમાલની સાવચેતી રાખવા જણાવાયું છે.  આગામી સમયમાં ડેમ પુરેપુરો ભરાઇ જાય તેવી શક્યતા રહેલી છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે હાલમાં પણ સંત સરોવર વિયરમાં પ્રતિ કલાક 2095 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને પરિણામે સંત સરોવર વિયર પાણીનો સ્ટોક હાલમાં 55.40 મીટર સુધી પહોંચી ગયો છે. સંત સરોવર વિયર આજે  ઓવરફ્લો થાય તેવી શક્યતા રહેલી છે. નગરના સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા સંત સરોવર વીયર હાલમાં પાણીનો સ્ટોક 55.40 મીટર સુધીનો છે. જોકે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે હાલમાં સાબરમતી નદીમાં નવા નીરની આવક થઇ છે. જેને પરિણામે પ્રતિ કલાક 2095 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.