ગાંધીનગરમાં સરકારી આવાસો ખાલી ન કરનારા કર્મચારી સામે સામે તવાઈ, 50 મકાનો ખાલી કરાવાયા
ગાંધીનગરઃ પાટનગર ગાંઘીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય, તેમજ બોર્ડ-નિગમો સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી હોવાથી સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકારી આવાસો આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ બદલી કે નિવૃતિ બાદ પણ સરકારી આવાસો ખાલી કરતા નથી. તેથી અન્ય નવા કર્મચારીઓને સરકારી આવાસો ફાળવી શકાતા નથી. સરકારી ક્વાટર્સમાં અડ્ડો જમાવીને બેઠેલા અને ખાલી ન કરનારા સામે તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આવા આવાસનો અનધિકૃત કબ્જો જાળવી રાખવા બદલ પાટનગર યોજના વિભાગ દ્વારા 325 કિસ્સામાં ઇવીક્શન કોર્ટ કેસ કરાયા હતા. જે પૈકી 50 સરકારી મકાનો કોર્ટના આદેશના પગલે ખાલી કરાવી દેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને તેમની કક્ષા પ્રમાણેના આવાસ રહેણાંક સુવિધા માટે ફાળવવામાં આવે છે. પરંતુ બદલી, નિવૃતિ કે અવસાનના કિસ્સામાં તે સમય મર્યાદામાં ખાલી કરી દેવાના હોય છે આવા આવાસનો અનધિકૃત કબ્જો જાળવી રાખવા બદલ પાટનગર યોજના વિભાગ દ્વારા 325 કિસ્સામાં ઇવીક્શન કોર્ટ કેસ કરાયા હતા. જે પૈકી 50 સરકારી મકાનો કોર્ટના આદેશના પગલે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ચાર દાયકા પહેલા બનાવેલા પૈકીના 4 હજાર 500 જેટલા આવાસ વપરાશમાંથી બાકાત થઇ ગયાં છે. આ પૈકીના સેક્ડો જર્જરિત, જોખમી અને ભયજનક આવાસ ઉતારી લેવામાં આવ્યા છે અને હજુ મોટી સંખ્યામાં આવાસ તોડવામાં આવી રહ્યાં છે. ભયજનક આવાસો તોડીને ખુલી કરવામાં આવતી જગ્યામાં નવા ફ્લેટ ટાઇપ આવાસો બાંધવાના આયોજન પણ મોટા પાયે કરવામાં આવ્યા છે
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી આવાસની સુવિધા મેળવવા માટે અરજદાર કર્મચારીઓની સંખ્યા ઘણી મોટી હોવાના કારણે તેમને આવાસની ફાળવણી કરવા માટે અગ્રતાક્રમ જાળવી રાખવા પાટનગર યોજના વિભાગની આવાસ ફાળવણી શાખા દ્વારા પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવે છે અને તેના પ્રમાણે આવાસની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ અહીં નાના કર્મચારીઓને ફાળવવામાં આવતા આવાસની મોટી ઘટ પડી રહી છે. આ સંજોગોમાં કર્મચારીની બદલી થવાના, નિવૃત થવાના અને અવસાન પામવાના કિસ્સામાં તેમને ફાળવવામાં આવેલા મકાન ઝડપથી ખાલી થાય તે અનિવાર્ય બની ગયું છે, પરંતુ તેમ બનતું નથી. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓને ફાળવવામાં આવતા મકાનના કિસ્સામાં પણ અનધિકૃત કબ્જાના કિસ્સાની સંખ્યા મોટી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા આ સ્થિતિમાં ખરા અરજદારો માટે સરકારી આવાસ ઉપલબ્ધ બને તેના માટે ગેરકાયદે કબ્જાના કિસ્સામાં વિશેષ એવી ઇવિક્શન કોર્ટમાં 325 કિસ્સામાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે કોર્ટના આદેશના પગલે વિભાગ દ્વારા 50 સરકારી મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં વિભાગ દ્વારા મકાન ખાલી કરવા વારંવાર નોટિસો આપવામાં આવી હતી. પરંતુ હવે વિભાગ દ્વારા લાલ આંખ કરીને કાર્યવાહી શરૂ કરતાં ગેરકાયદેસર કબ્જેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.