ગાંધીનગરઃ પબ્લિક પરમિટવાળા વાહનોને આરટીઓમાં સમયાંતરે ટેક્સ ભરવા પડે છે. જેમાં ઘણા વાહનો ન ચાલાવવાના હોય ત્યારે આરટીઓની મંજુરી લઈને નોયુઝમાં મુકી દેવામાં આવતા હોય છે, જ્યારે ઘણા વાહનો જુના થઈ જતાં તેના માલિકો આરટીઓનો નિયમ મુજબનો ટેક્સ ન ભરીને વાહનો દોડાવતા હોય છે. ગાંધીનગર RTOનો રૂપિયા 22 કરોડનો ટેક્સ નહીં ભરનારા 5 હજાર વાહનો તંત્ર દ્વારા બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા છે. તેમાં મોટાભાગના વાહનો ખાનગી બસ અને ગુડ્ઝ ટ્રકનો સમાવેશ થાય છે. આરટીઓ દ્વારા બ્લેક લીસ્ટ કરાયેલા આવા વાહનો સ્કેપ પણ થઇ શકશે નહીં. જો કે તંત્ર દ્વારા જણાવાયુ છે કે તાકિદે બાકી રકમનો ટેક્સ ભરપાઇ કરનારનાર આસામીનું વાહન બ્લેક લિસ્ટમાંથી મુક્ત કરવામાં આવશે.
ગાંધીનગર આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી બસ અને ગુડ્સ ટ્રકનો વાર્ષિક ટેક્સ ભરવામાં વાહનમાલિકો લાંબા સમયથી ગલ્લાં- તલ્લાં કરી રહ્યા છે. વારંવાર નોટિસ ફટકારવા છતાં તેને ગંભીરતાથી લેતામાં આવતી નથી. બ્લેકલિસ્ટેડ કરાયેલા વાહનનો જ્યાં સુધી ટેક્સની ભરપાઈ નહીં કરે ત્યાં સુધી વાહન ટ્રાન્સફર અથવા અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી થઇ શકશે નહીં, તે ઉપરાંત ફેસિલિટી સેન્ટરમાં તે વાહન હવે સ્કેપ પણ કરાવી શકાશે નહીં. હાલમાં આરટીઓના ચોપડે આ આવા 5000 વ્હીકલનો અંદાજે 22 કરોડનો ટેક્સ બાકી બોલી રહ્યો છે. હજી પણ ટેક્સ ભરપાઈ નહીં કરે તો તેના પર દંડ અને વ્યાજ અલગથી વસૂલવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર રિઝનમાં ઘણા વાહનોનો આરટીઓ ટેક્સ વર્ષોથી બાકી બોલે છે.જેમાં ઘણા વાહનો જુના થઈ ગયા હોવાથી વાહનની કિંમત કરતા ટેક્સની રકમ વધારે છે. એટલે વાહનચાલકો પાસેથી બાકી ટેક્સ વસુલ કરી શકાતો નથી. બાકી ટેક્સ ભરપાઈ કરવા માટે મોકલવામાં આવેલી નોટિસની અવગણના કરનારા 5000 વાહનમાલિકોના વ્હીકલ બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. જંગી રકમનો ટેક્સ બાકી હોવાથી આરટીઓ તંત્રએ ટેક્સ નહીં ભરનારાઓ સામે કાયદાનો કોરડો ઉગામ્યો છે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, વારંવાર નોટિસ ફટકારવા છતાં બાકી ટેક્સ ભરવા માટે આ વાહન માલિકો અખાડા કરી રહ્યા છે. આ વાહનમાલિકો જ્યા સુધી સરકારનો બાકી ટેક્સ ભરપાઈ નહીં કરે ત્યાં સુધી તેઓને સરકારની પોલીસીનો લાભ મળશે નહીં. અને ટેક્સ ભરપાઇ કરનારના વાહનો બ્લેકલીસ્ટમાંથી મુક્ત કરવામાં આવશે.