Site icon Revoi.in

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100 તબીબો ઉનાળું વેકેશનમાં રજા પર જતાં દર્દીઓને મુશ્કેલી

Social Share

ગાંધીનગરઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 200 જેટલાં તબીબો ફરજ બજાવે છે, જેમાં તબીબોને તબક્કાવાર બે ભાગમાં ઉનાળું વેકેશનની રજાઓ આપવામાં આવતી હોય છે. જેમાં પ્રથમ તબક્કામાં 100 તબીબો ઉનાળું વેકેશનમાં રજા પર જતાં દર્દીઓને હાલાકી પડી રહી છે. અપુરતા સ્ટાફને કારણે ઓપીડીમાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇન્ડોર અને ઓપીડી સારવાર અને નિદાન લેતા દર્દીઓને હાલાકી પડે નહી તે માટે તબીબોને બે તબક્કામાં વેકેશનનો લાભ આપવામાં આવે છે. તેમાં પ્રથમ તબક્કામાં સિવિલ હોસ્પિટલના 200માંથી 100 તબીબો એક માસના વેકેશનમાં ગયા છે. તેઓનું વેકેશન પૂર્ણ થયા બાદ બાકીના 100 તબીબો બીજા તબક્કાના એક માસના વેકેશનમાં જશે. તબીબોના વેકેશનથી ઇન્ડોર અને ઓપીડી સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી પડી રહી છે.

ગાંધીનગર મેડિકલ કોલેજના તબીબોને પણ ઉનાળા વેકેશનનો લાભ મળે છે. જોકે મેડિકલ કોલેજની સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇન્ડોર અને ઓપીડી દર્દીઓને નિદાન અને સારવાર સમયસર મળી રહે તે માટે બે તબક્કામાં વેકેશન તબીબોને આપવામાં આવે છે. તેમાં પ્રથમ તબક્કો એક માસનો તારીખ 12મી, એપ્રિલથી શરૂ થયો છે, અને તારીખ 12મી, મે-2024ના રોજ પૂર્ણ થશે. તેજ રીતે બીજો તબક્કો તારીખ 13મી, મે-2024થી પ્રારંભ થશે અને તારીખ 14મી, જૂન-2024ના રોજ પૂર્ણ થશે. ગાંધીનગર મેડિકલ કોલેજના મેડિસિન, ઓર્થોપેડિક, ગાયનેક, પિડિયાટ્રીક, આંખ, સ્કિન, સાયકોલોજી, માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી, પેથોલોજી, સર્જરી, ઇએનટી સહિતના અલગ અલગ 21 વિભાગોમાં હાલમાં અંદાજે 200 જેટલા તબિબો ફરજ બજાવી રહ્યા છે. તેમાંથી પ્રથમ તબક્કામાં 50 ટકા તબિબો એટલે 100 તબિબોનું ઉનાળું વેકેશન શરૂ થઇ ગયું છે. જ્યારે પ્રથમ તબક્કાના તબીબોનું વેકેશન પૂર્ણ થયા બાદ બાકી રહેલા 100 તબિબોનું ઉનાળું વેકેશન શરૂ થશે. ગાંધીનગર મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં હાલમાં ઓપીડીમાં અંદાજે 2000 દર્દીઓ સારવાર માટે આવે છે. જ્યારે ઇન્ડોર વિભાગમાં અંદાજે 300 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યારે 50 ટકા તબીબો ઉનાળા વેકેશનમાં જતા રહેતા ઇન્ડોર અને ઓપીડી નિદાન અને સારવાર માટે આવતા દર્દીઓ હાલાકી વેઠવી રહ્યા છે.