ગાંધીનગરમાં કેટલાક કર્મચારીઓએ જર્જરિત ક્વાટર્સ ખાલી ન કરતાં વીજ-પાણીના કનેકશન કપાયા
ગાંધીનગરઃ શહેરમાં પાટનગર યાજના હેઠળના ઘણાબધા સરકારી ક્વાટર્સ જર્જરિત બની ગયા છે. ચારથી પાંચ દાયકા જુના ક્વાટર્સનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. જર્જરિત હાલતમાં ઉભેલા સરકારી આવાસોનો સ્ટ્રક્ચર રીપોર્ટ નેગેટીવ આવ્યો હોય તેને ભયજનક આવાસ જાહેર કરીને ખાલી કરાવવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક કર્મચારીઓ ક્વાટર્સનો કબજો છોડતા નહીં હોવાથી પાટનગર યોજના વિભાગ દ્વારા આ કામગીરી મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે. જેથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ આજથી ભયજનક ક્વાટર્સના વીજળી, પાણી અને ગટરના જોડાણ કાપી નાંખવાનો પ્રારંભ કરતા કર્મચારીઓ ફફડાટ વ્યાપી ગયો હતો.
પાટનગર યોજના ભવનના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં 1275 જેટલા સરકારી આવાસો ભયજનક જાહેર કરવામાં આવ્યા હોવા છતાં તેમાં રહેતા કર્મચારી પરિવાર દ્વારા ખાલી કરવામાં આવતા ન હતા. આથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જીપીએમસી એક્ટ હેઠળ નોટીસ આપીને કાર્યવાહીની ચેતવણી આપવામાં આવતા અત્યારસુધીમાં 300 જેટલા આવાસ ખાલી કરવામાં આવ્યા છે. બાકીના આવાસ ચોમાસા પહેલા ખાલી કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને મ્યુનિ.ના અધિકારીઓ અને પાટનગર યોજના વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઇ હતી જેમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસામાં જર્જરિત મકાનમાં દૂર્ઘટના ઘટે તેવી દહેશત હોવાથી તાત્કાલિક મકાન ખાલી કરાવી કબજો મેળવવા લાઇટ, પાણી અને ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે ઘણા કવાટર્સમાં પાણી અને વીજળીના કનેક્શનો કાપવામાં આવ્યા હતા. ઘણા મકાનોને તાળા લાગેલા છે. અને કર્મચારીઓ રહેતા ન હોવા છતાંયે કબજો સોંપતા નથી.