Site icon Revoi.in

ગાંધીનગરમાં જુની પેન્શન યોજનાની માગ સાથે કર્મચારીઓએ સરકાર સામે માંડ્યો મોરચો

Social Share

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. અને જિલ્લાકક્ષાનું આંદોલન હવે પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યું છે. શુક્રવારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસનાં પણ ધાડેધાડાં ઉતારવામાં આવ્યાં છે.  કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પ્રદર્શન યોજીને  જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી હતી.

લોકસભાની ચૂંટણી નજીકમાં છે. ત્યારે રાજ્યના સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે મોરચો માંડ્યો છે. જુની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓ ઘણા સમયથી માગ કરી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. પણ ગુજરાત સરકાર જુની પેન્શન યોજના લાગુ કરતી ન હોવાથી કર્મચારીઓએ ચૂંટણી ટાણે જ સરકારનું નાક દબાવ્યું છે. અને કર્મચારીઓએ ગાંધીનગરથી ફરીવાર આંદોલનનાં શ્રીગણેશ કર્યા છે. શુક્રવારે સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઊમટી પડ્યા હતા. જેને લઈ સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લેબંધી કરી લીધી છે.

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગને લઈ છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જિલ્લા કક્ષાએ ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજ્યા બાદ શુક્રવારે રાજ્યભરમાંથી શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગને પ્રબળ બનાવવા ગાંધીનગર પહોંચ્યા હતા. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગારી યોજના દૂર કરવા અને સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ કરવાની માગણી કરીને ધરણા કર્યા હતા. અને જ્યાં સુધી પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 16 સપ્ટેમ્બરના મંત્રીઓ સાથે બેઠક મળી હતી. જોકે, તે સમયે પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું અને સરકાર તરફથી ખાતરી અપાઈ હતી, પરંતુ તેનો અમલ ન થતા હવે કર્મચારીઓએ સરકાર સામે ફરી આંદોલનના મંડાણ કર્યા છે. આ ધરણા પ્રદર્શનને લઈ રાજ્યભરમાંથી કર્મચારીઓ ગાંધીનગર આવી રહ્યા છે.