ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગર સહિત વિવિધ શહેરોમાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્રો આપીને જુની પેન્શન યોજના સત્વરે લાગુ કરવાની માગ કરી હતી. ગાંધીનગરમાં બુધવારે ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન તેમજ ગુજરાત વન વિભાગના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટીધારણ કરી સરકારને પુનઃ આવેદન પત્ર આપી લડતનાં મંડાણ કર્યા છે.
ગુજરાત સરકારના લાખો કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવા માટે લડત ચલાવી રહ્યા છે. ત્યારે વિધાનસભા ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા કર્મચારીઓ લડતને આક્રમક બનાવવા તૈયાર થઇ ગયા છે. જે અન્વયે અલગ અલગ કાર્યક્રમો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેને સચિવાલય ફેડરેશન દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. આજે ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન તેમજ ગુજરાત વન વિભાગના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટીધારણ કરી સરકારને પુનઃ આવેદન પત્ર આપી લડતનાં મંડાણ કર્યા છે. અગાઉ રાજ્યમાં ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે માટે કર્મચારીઓ દ્વારા મોટું આંદોલન શરૂ કરાયું હતુ. જો કે, તત્કાલિન સમયે સરકારે કર્મચારીઓને પેન્શન યોજના લાગુ કરવા માટે આશ્વાસન પણ આપ્યું હતું પરંતુ તેમાંથી એક પણ માંગણી સંતોષમાં આવી ન હતી અને વિધાનસભાની ચૂંટણી પણ પુરી થઇ ગઇ અને નવી સરકારે એક વર્ષ પણ પુર્ણ કરી દીધું છે ત્યારે રાજ્યના લાખ્ખો કર્મચારીઓના પ્રશ્નો હજી પડતર જ રહેવા પામ્યા છે, ત્યારે કર્મચારીઓ આ વખતે માંગણીઓ પુરી કરાવવા માટે મેદાને ઉતરી પડયા છે.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આંદોલાત્મક કાર્યક્રમો જાહેર કરવામા આવ્યા છે. જેમાં બુધવારે અને આજે તા.15મીને ગુરૂવારે કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. જ્યારે તા.16મીએ કાળા કપડા ધારણ કરી ફરજ બજાવશે અને તા.23મીએ ગાંધીનગરમાં બપોરે બાર વાગે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધરણા કરવામાં આવશે. આ લડતને ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે. કે, સરકાર દ્વારા રાજ્યની તત્કાલીન આર્થિક પરિસ્થિતિને અનુલક્ષીને કરકસરનાં ભાગરૂપે તા.16/2/2006થી ફિક્સ પગારની નીતિ લાગુ કરવામાં આવી છે. જેનાં અંતર્ગત માન્ય ભરતી બોર્ડ(GPSC,GSSSB) દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યાં બાદ, ભારતના સંવિધાનની કલમ-309 અન્વયે મળેલ સત્તાની રૂએ જેની સેવાની શરતો નિયત થયેલી છે તેવી વર્ગ-૩ની જગ્યાઓ પર રાજ્યનાં યુવાનો/યુવતીઓને પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારના દરે નિમણૂંક આપવામાં આવે છે. પરિસ્થિતિ અનુસાર સરકાર દ્વારા વખતો-વખત આ નીતિમાં આંશિક સુધારા પણ કરવામાં આવેલા છે. ભારત વર્ષના આ અમૃત કાળમાં દેશને વર્ષ-2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા રાજ્યનાં કર્મચારીઓ કટિબધ્ધ છે. આ સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત રાજ્યએ સુકાન સંભાળેલ છે, ત્યારે આ સેવાયજ્ઞમાં કર્મચારી માટે ફિક્સ પે પ્રથા ગુજરાત રાજ્ય માટે અમૃતકાળમાં કાળી ટીલી સમાન છે.