ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પ્રોફેશનલ ટેક્સ યાને વ્યવસાયવેરાના બાકીદારોની સંખ્યા વધતી જાય છે. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11 કરોડના ટાર્ગેટ સામે હજી સુધી 5.39 કરોડની જ વસુલાત થઈ શકી છે. જેનાં પગલે 30મી સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવામાં માટે બાકી મિલકત ધારકોને અલ્ટીમેટમ આપી દેવાયું છે. ત્યારે 30 સપ્ટેમ્બર પછી મ્યુનિ દ્વારા બાકીદારો પાસેથી માસિક 1.5 ટકા વ્યાજ સાથે વેરો વસુલવા માટે કડક ઝુંબેશ હાથ ધરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યવસાય વેરો વસૂલવા માટે બાકીદારોને 30મી સપ્ટેમ્બર સુધીની મહેતલ આપવામાં આવી છે.ત્યારબાદ વ્યવસાય વેરો નહીં ભરનારા વ્યક્તિઓએ દર મહિને 1.5 ટકા લેખે વ્યાજ ચુકવવું પડશે. ઉલ્લેખનીય છે કે, મિલકત વેરા બાદ વ્યવસાય વેરો વસૂલવા માટે કોર્પોરેશને કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરમાં અત્યાર સુધી શહેરીજનોને મિલકત વેરો કે વ્યવસાય વેરો ભરવો પડતો ન હતો. પરંતુ ગાંધીનગર શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ વિવિધ વેરાઓ વસૂલવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે બાકી બોલતાં મિલ્કતધારકો માટે કડક હાથે કામ લેવાનું નક્કી કરાયું છે. અને બાકીદારોની મિલકતો સીલ કરી દેવા સુધીના પગલા ભરવા માટે તાકીદ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે વ્યવસાય વેરો નહીં ભરનાર નાગરિકોને પણ 30 સપ્ટેમ્બર સુધીની મહેતલ આપવામાં આવી છે. 30મી સપ્ટેમ્બર સુધીમાં મ્યુનિ. કોર્પોરેશનમાં વ્યવસાય વેરો નહીં ભરનારા નાગરિકોએ વેરા ઉપર દર મહિને દોઢ ટકા લેખે વ્યાજ પણ ચુકવવું પડશે.ચાલુ વર્ષે વ્યવસાય વેરાની વસૂલાતનો 11 કરોડ રૃપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જે પૈકી હજુ સુધી ફક્ત 5.39 કરોડની વસૂલાત થવા પામી છે. ત્યારે હવે મ્યુનિ. કોર્પોરેશન બાકીદારોને શોધીને તેમને નોટિસ ફટકારશે.નવો વિસ્તાર ઉમેરાતા અહીં પણ વ્યવસાયકારો પાસેથી વેરો વસૂલવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.