Site icon Revoi.in

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના ચરણો પાસે બેસીને ભાવુક બન્યા

Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી શનિવારે સાંજે અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પહોંચ્યા હતાં.  અને માતા હીરાબાના 100માં જન્મ દિવસે આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. વડાપ્રધાને રાયસણ ખાતેના નિવાસ સ્થાને પહોંચીને હીરાબાના આશિર્વાદ લીધા હતાં. તેમણે હીરાબા સાથે ભગવાનની પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ માતાના ચરણો ધોઈને પાણી માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પહેરાવી વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના ચરણો પાસે બેસીને ભાવુક બન્યા હતા.વડાપ્રધાને માતાને ખાસ ભેટ તરીકે શાલ અર્પણ કરી હતી. આ સમયે તેમના નિવાસસ્થાનની આસપાસના લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. પૂજા અર્ચના બાદ લોકોને પ્રસાદી પણ આપવામાં આવી હતી. વડાપ્રધાને માતાને લાડુ ખવડાવીને મોઢું પણ મીઠું કરાવ્યું હતું. તેઓ પલાંઠી વાળીને માતા સાથે બેઠા હતાં અને માં સાથે વાર્તાલાપ કર્યો હતો. અડધો કલાક જેટલો સમય તેઓ માતા સાથે વિતાવ્યો હતો.

માતાનો જન્મ દિવસ હોય કે ના હોય પણ વડાપ્રધાન મોદી જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે અનેક વખત માતા હીરાબાના આશિર્વાદ લેવા માટે પહોંચી જાય છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, માં એ માત્ર એક શબ્દ નહીં, તે જીવનની એ લાગણી છે જેમાં પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ સહિત અનેક બાબતો સમાયેલી છે. મારી માતા હીરા બા આજે 100માં જન્મવર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. આજથી તેમનું જન્મ શતાબ્દિ વર્ષ પ્રારંભ થઈ રહ્યું છે. હું મારી ખુશી અને સૌભાગ્યને લોકો સાથે શેર કરી રહ્યો છું.

વડાપ્રધાન મોદીના માતા હિરાબાનું જન્મ શતાબ્દિ વર્ષ શરૂ થયું છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં શનિવારે સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને હીરાબાનાં પરિવારજનો માટે ભંડારો યોજાઈ રહ્યો છે, ભંડારામાં દાળ, ભાત, પૂરી, માલપુંવા પીરસાસે. હીરાબાનો પરિવાર જગન્નાથ મંદિરમાં ભંડારા માટે પહોંચી ગયો છે.