ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી આવતું નહોવાની ફરિયાદો ઊઠી છે. શહેરના સેક્ટર-1થી 30 અને મર્જ કરાયેલા સાત ગામમાં પાણી આપવા માટે દરરોજની 59 એમએલડી પાણીની જરૂરીયાત ઉભી થાય છે. જ્યારે તેની સામે પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર 46 એમએલડી પાણી આપવામાં આવે છે. આથી પાણીનો પુરવઠો જ છ એમએલડી જેટલો ઓછો આવતો હોવાથી પુરતા ફોર્સથી પાણી આપી શકાતું નથી, આથી લોકોમાં પાણીની બૂમો ઊઠી છે.
પાટનગર યોજના વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. ગાંધીનગરના સેક્ટર-1થી 30 અને બાસણ, પાલજ, ઇન્દ્રોડા, બોરીજ, આદિવાડા, ફતેપુરા, ધોળાકૂવા, ગોકુળપુરામાં પાણી પુરવઠો આપવાની કામગીરી પાટનગર યોજના દ્વારા કરવામાં આવે છે. જોકે સેક્ટરોમાં પાણી ફોર્સથી આપવા માટે હાલમાં બે ઝોન પાડવામાં આવ્યા છે. જેમાં ઝોન-1માં સેક્ટર-1થી 13, ઇન્દ્રોડા, ધોળાકુવા, ગોકુળપુરા સહિતના વિસ્તારોમાં દરરોજ 28.5 એમએલડી પાણીની માંગ છે. જ્યારે ઝોન-2માં સેક્ટર-14થી 30, પાલજ, બાસણ, બોરીજ, આદિવાડા, ફતેપુરા વિસ્તારમાં દરરોજ 30 એમએલડી પાણીની માંગ છે. જ્યારે તેની સામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઝોન-1 માટે 23 એમએલડી અને ઝોન-2માં 24 એમએલડી પાણી આપવામાં આવે છે. સેક્ટરો સહિતના વિસ્તારોમાં પુરતા ફોર્સથી પાણી આપવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સેક્ટરોમાં આવેલા 28 બોરને સતત દસ કલાક બોર ચલાવવા પડે છે. બોર ચાલુ કરીને પાઇપ લાઇનને પાણીથી ભરવામાં આવે છે. ત્યારબાદ જ ફોર્સથી પાણી સેક્ટરવાસીઓ સહિતના વિસ્તારના લોકોને આપી શકાય છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટે સંપ અને ટાંકીની માહિતી તેમાં ઝોન-1માં 37.5 લાખ લીટર પાણીની ક્ષમતાવાળા પાંચ સંપ, 60 લાખ લીટરનો એક સંપ, 30 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી બે ટાંકી છે.