- છેલ્લા 10 વર્ષથી ડિટેઈન કરાયેલા દસ વાહનોનો 50 લાખથી વધુ ટેક્સ-દંડ બાકી,
- વાહન માલિકોને કાલે 13મી સપ્ટેમ્બર સુધીનો સમય અપાયો,
- બાકીદારોને ટેક્સ-દંડ ભરવા માટે આખરી નોટિસ ફટકારી
ગાંધીનગરઃ ગુજરાતમાં આરટીઓ દ્વારા ચેકિંગ દરમિયાન જે કોમર્શિયલ વાહનોનો જરૂરી દસ્તાવેજો ન હોય અને રોડ ટેક્સ બાકી હોય એવા વાહનો ડિટેઈન કરવામાં આવતા હોય છે. ગાંધીનગર આરટીઓએ છેલ્લા દસેક વર્ષથી ડિટેઇન કરેલા દસ વાહનોના માલિકો દ્વારા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કરેલો દંડ, વાહનનો ટેક્ષ અને પેનલ્ટી ભરવામાં નહી આવતા જેનો આંકડો 50 લાખથી વધુ થયો છે. આથી વાહન માલિકોને આવતી કાલે તારીખ 13મી, સપ્ટેમ્બર સુધીમાં નિયમોનુસારનો ટેક્ષ, દંડ અને પેનલ્ટી સહિતની રકમ ભરવામાં નહી આવે તો વાહન ઉપર વાહનમાલિકનો હક્કદાવો રહેશે નહી. ઉપરાંત વાહનોની હરાજી કરવામાં આવશે તેવી આખરી નોટીસ આરટીઓ કચેરી દ્વારા ફટકારવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર દોડતા વાહનોની પાસે મોટર વ્હિલક એક્ટ મુજબ જરૂરી દસ્તાવેજ તેમજ નિયત કરેલા નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહી તેની ચકાસણી જિલ્લાની આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવે છે. જેમાં મોટર વ્હિલક એક્ટનું પાલન નહી કરનારા અને માર્ગ ઉપર દોડતા વાહનોને આરટીઓ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે. જેમાંથી દસ વાહનોના માલિકો દ્વારા પોતાના વાહનોને છોડાવવા માટે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી આ વાહનો હાલમાં આરટીઓ કચેરીના કેમ્પસમાં પડીને ભંગાર જેવા બની ગયા છે. ત્યારે દસેક વર્ષથી ડિટેઇન કરેલા આવા દસ વાહનોના માલિકો દ્વારા વાહનનો ટેક્ષ, દંડ કે પેનલ્ટીની રકમ ભરવામાં આવી નથી.
ગાંધીનગર આરટીઓ કચેરીના સૂત્રોના કહેવા મુજબ આરટીઓ દ્વારા દસ વાહનોના માલિકોને નોટીસ ફટકારીને આવતી કાલે તારીખ 13મી, સપ્ટેમ્બર સુધીમાં વાહનનો ટેક્ષ, દંડ અને પેનલ્ટી સહિતની લેણાની રકમ ભરી જવાની નોટીસ આપવામાં આવી છે. જોકે ડિટેઇન કરાયેલા દસ વાહનો પાસેથી લેણાંની કુલ રૂપિયા 50 લાખથી વધારે થાય છે. જોકે કાલે તારીખ 13મી, સુધી લેણાંની રકમ ભરવામાં નહી આવે તો વાહનોની હરાજી કરીને બાકી રહેલા લેણાની રકમ વસુલવામાં આવશે આરટીઓ કચેરી દ્વારા છેલ્લા દસેક વર્ષથી ડિટેઇન કરેલા દસ વાહનો ભંગાર બની ગયા છે. જો વાહન માલિકો દ્વારા લેણાંની નીકળતી રકમ ભરે નહી તો આ દસ વાહનો રાજ્યસાત થઇ જશે. આથી આ દસ વાહનોની હરાજી કરીને બાકી લેણાંની રકમ રૂપિયા 50 લાખની રકમની વસુલાત થાય છે કે નહી તે તો આગામી સમય જ બતાવશે. છેલ્લા દસેક વર્ષથી ડિટેઇન કરેલા દસ વાહનોના માલિકો દ્વારા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કરેલો દંડ, વાહનનો ટેક્ષ અને પેનલ્ટી ભરવામાં નહી આવતા જેનો આંકડો 50 લાખથી વધુ થયો છે. જેથી આરટીઓ દ્વારા હવે કડકડ કાર્યવાહી કરવામાં આવશે.