ગાંધીનગર: રાજ્યના પૂર્વ મંત્રીઓને અગાઉ મંત્રી તરીકે ફાળવાયેલા આવાસો ખાલી કરવા પડે તે પહેલા જ મોટાભાગના પૂર્વ મંત્રીઓ અન્ય સ્થળોએ સરકારી બંગલા ફાળવવા અરજીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં સરકાર બદલાયા પછી ભલે મોવડી મંડળના કહેવાથી પૂર્વ મંત્રીઓએ તાત્કાલિક બંગલા ખાલી કરી દીધા હોય કે કરવા તૈયારી દાખવી હોય પરંતુ મોટાભાગના પૂર્વ મંત્રીઓથી બંગલો છૂટતો નથી. વિજય રૂપાણી કેબિનેટના પડતા મુકાયેલા મંત્રીઓને બંગલાની ફાળવણી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હજુ નિર્ણય લીધો નથી. પણ ગાંધીનગરમાં સૂત્રો મુજબ મોટાભાગના ભૂતપૂર્વ મંત્રીઓએ બંગલા માટે અરજી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરફાર થયા પછી ભૂતપૂર્વ મંત્રીઓને વહેલામાં વહેલી તકે મંત્રી નિવાસના તેમના સરકારી બંગલા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી આ બંગલો નવા નિમાયેલા મંત્રીઓને ફાળવી શકાય. કહેવાય છે કે, મોટાભાગના પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલાઓની વિનંતી કરી છે.
નિયમ એવો છે કે, જ્યારે કેબિનેટમાં ફેરબદલ થાય છે, ત્યારે ભૂતપૂર્વ મંત્રીઓ તેમના બાળકોના શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી ઓછા ભાડામાં ‘ક’ પ્રકારના સરકારી બંગલાની વિનંતી કરી શકે છે. જો કે, અરજીને મંજૂર કરવી કે નામંજૂર કરવી તે સરકાર પર નિર્ભર છે. પાટનગર ગાંધીનગરમાં હાલ બહુ ઓછા ‘ક’ પ્રકારના બંગલા ઉપલબ્ધ છે. જો તમામ ભૂતપૂર્વ મંત્રીઓને આ બંગલા ફાળવવામાં આવે તો વર્તમાન મંત્રીમંડળના રાજ્ય મંત્રીઓને ‘ગ’ પ્રકારના બંગલા આપવા પડશે જે જુનિયર IAS અધિકારીઓ માટે છે. મુખ્યમંત્રી અને રોડ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી બંગલાઓ માટેની ભૂતપૂર્વ મંત્રીઓની અરજી પર અંતિમ નિર્ણય લેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર કેટલાક ભાજપ આગેવાનોને બોર્ડ અને કોર્પોરેશનમાં નિમણુંક કરી શકે છે અને તેમને સંવૈધાનિક હોદ્દાઓ આપશે. આ નેતાઓ પણ બંગલાઓની માંગ કરશે, તેથી અચાનક બંગલાઓની વધતી માગ અને અરજીના ઉકેલ લાવવાનું સરકાર માટે મુશ્કેલ બનશે. તો બીજી તરફ ઘણા IAS અને IPS અધિકારીઓ અને બંગલાઓ માટે લાયકાત ધરાવતા ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ તેમને ક્યારે બંગલો ફાળવવામાં આવશે તેની રાહ જોઈ રહ્યા છે.
(file photo)