Site icon Revoi.in

ગાંધીનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, મ્યુનિ દ્વારા રોજ 13 ઢોર પકડવામાં આવે છે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના મહાનગરો અને નાના શહેરોમાં રખડતા ઢોર અંગેનો વિધાનસભામાં કાયદો બનાવ્યા બાદ પશુપાલકોના દબાણને લીધે હવે કાયદાનો અમલ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. બીજીબાજુ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. પાટનગર ગણાતા ગાંધીનગરમાં પણ જાહેર રોડ-રસ્તાઓ પર ઢોર બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિ.કોર્પોરેશને રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા દંડની રકમમાં વધારો કર્યો છે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં દંડમાં થયેલા વધારાને મંજૂરી અપાઈ હતી. ગાંધીનગરમાં દરરોજ એવરેજ 13 રખડતા ઢોર પકડાય છે. મ્યુનિ.દ્વારા  હાલ પરીષદ ખાદી ગ્રામોદ્યોગ સંઘને ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટર અપાયો છે. ત્યારે એજન્સી દ્વારા એપ્રિલના 22 દિવસમાં જ 230થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા.

ગાંધીનગરના મ્યુનિ.કોર્પોરેશનના વિસ્તારમાં નવેમ્બર-2021થી માર્ચ-2022 સુધીના પાંચ મહિનામાં કુલ 2060 ઢોર પકડાયા હતા, જેમાંથી 390 પશુ દંડ ભરીને માલિકો છોડાવી ગયા હતા, જેમાંથી મનપાને 9.90 લાખની આવક થઈ હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 28 ડિસેમ્બરથી ઢોરના દંડમાં વધારો કરીને નિયમો કડક કરાયા હતા. જેમાં રોડ નં-1થી 7 તથા ‘ ક ’ રોડથી ‘ જ ’ રોડ પરથી ઢોર પકડાય તો છોડાતા નથી અને પશુઓને કાયમી ધોરણે પાંજરાપોળ મોકલી અપાય છે. આ સિવાયના વિસ્તારોમાં ઢોર પકડાય તો પ્રથમ વખત નક્કી કરેલો દંડ બીજી વખત ડબલ દંડ અને ત્રીજી વખત ઢોરને સીધા પાંજરાપોળ મુકી દેવાય છે.

મ્યુનિના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં 2060 પશુમાંથી 768 પશુ શહેરના નવા સમાવિષ્ટ  વિસ્તારમાંથી પકડાયાં છે, જેમાં કુડાસણ, સરગાસણ, પોર, કોટેશ્વર, ભાટ, ઝુંડાલ, ભાઈજીપુરા, પેથાપુર, રાંધેજાથી નવેમ્બરમાં 152, ડિસેમ્બરમાં 144 જ્યારે જાન્યુઆરીમાં 239, ફેબ્રુ.માં 134, માર્ચમાં 99 પશુ પકડાયાં હતા. જેમાં 2060માંથી 1121 પશુઓ અમદાવાદના ગીતાબેન રાંભિયા ટ્રસ્ટને મોકલી અપાયાં છે, મનપા દ્વારા નવેમ્બરમાં 110, ડિસેમ્બરમાં 207, જાન્યુઆરીમાં 419, ફેબ્રુ.માં 286, માર્ચમાં 99 પશુઓ પાંજરાપોળમાં મોકલાયાં હતાં. ગાય, ભેંસ, બળદ, ઉંટ, ઘોડા જેવાં પશુઓમાં દંડ, વહીવટી ખર્ચ અને ખાધાખોરાકી મળી કુલ 4 હજાર વસૂલાય છે. બીજી વખતમાં 7 હજાર વસૂલાય છે. ઘેંટાં-બકરાંમાં પ્રથમ વખત 1200 અને બીજી વખત 2200, પાડા-પાડીમાં પ્રથમ વાર 2600, બીજી વાર 4600 દંડ થાય છે. શહેરમાં હાથી છૂટા જોવા મળતા નથી પરંતુ તંત્ર દ્વારા જ્યારે કોઈ નિયમો ઘડાય ત્યારે જો હાથી પકડાય તો 12 હજાર દંડ અને બીજી વખત 22 હજાર દંડ વસૂલવાની જોગવાઈ છે.