ગાંધીનગરમાં ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટર્સએ પ્રશ્નોના ઉકેલ માટે લડતનો પ્રારંભ કર્યો
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારના જુદા જુદા સંગઠનો દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા માટે લડતના મંડાણ કર્યા છે. છેલ્લા પખવાડિયામાં જ ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી પર રાજ્યના શિક્ષકો, કર્મચારીઓ, આશા વર્કરો સહિત સંગઠનોએ સત્યાગૃહ કર્યો હતો. હવે ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો પણ તેમના પડતર પ્રશ્નો ઉકેલવાની માગણી સાથે ગાંધીનગરમાંથી લડતનો પ્રારંભ કર્યો છે.
ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરના પડતર પ્રશ્નોના નિરાકરણ માટેની સરકાર સામે શરૂ કરેલી લડત હજુ ચાલુ છે. જો કે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લા તાલુકા અને ગામડાઓમાંથી આવેલા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરના વિરોધ પ્રદર્શન કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ જ્યાં સુધી સરકાર મુદ્દાઓનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી આંદોલનકારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવતા જેની સીધી અસર જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં પડશે ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટરની અચોક્કસ મુદતની હડતાળ ચાલી રહી છે. જે અંતર્ગત આજે સત્યાગ્રહ છાવણી ખાતે સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લા અને ગામડાઓથી ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરો એકત્રિત થવાના હતા. જો કે પોલીસ દ્વારા આંદોલનને પરવાનગી આપવામાં આવી નથી જેના કારણે હવે જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા કામનો બહિષ્કાર કરવામાં આવશે અને આવનાર સમયમાં આગામી વિરોધ પ્રદર્શન કાર્યક્રમો ઘડી કાઢવા ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે