Site icon Revoi.in

ગાંધીનગરમાં પુરતા ફોર્સથી પાણી ન અપાતા નગરજનો પરેશાન

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સેક્ટર – 2, 3,4, 5 અને સેક્ટર – 6 સહીતના કેટલાક વિસ્તારમાં પાણી પુરતા ફોર્સથી અપાતું ન હોવાથી નગરજનો પરેશાન બન્યા છે. દિવાળી પર્વમાં ઘર સફાઈ સહિતની કામગીરીના કારણે પાણીનો વપરાશ વધતો હોય છે પરંતુ તંત્ર દ્વારા પાણી પ્રેસરથી નહી અપાતા ખાસ કરીને મહિલાઓ સહિતના નગરજનો ભારે કચવાટ કરતા જોવા મળી રહ્યા છે. શહેરને મીટરથી 24 કલાક પાણી પૂરું પાડવાના પ્રોજેકટને મોકૂફ રાખી રાબેતા મુજબ ત્રણ કલાક પૂરતા ફોર્સથી પાણી આપવાની લોકોમાં માંગ ઉઠી છે.

પાટનગર ગાંધીનગરમાં તંત્રના વાંકે પાણીનો કકળાટ શરૂ થયો છે. દિવાળીના ટાણે મહિલાઓને ઘરમાં સૌથી વધુ સાફ સફાઈ માટે પાણીની જરૂર હોય છે. ત્યારે શહેરના સેકટર – 2, 3,4, 5 અને સેક્ટર – 6 સહીતના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તંત્ર પાણી પ્રેસરથી આપવામાં આવતુ નથી તેથી મહિલાઓમાં રોષ ફેલાયો છે. દિવાળી ટાણે જ પૂરતા ફોર્સથી પાણી નહીં મળવાના કારણે ખાસ કરીને મહિલાઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.

આ અંગે શહેર વસાહત મહા સંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું કે, સેકટર – 2, 3,4, 5 અને સેક્ટર – 6 સહીતના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ધીમા ફોર્સથી પાણી આવવાની સાથે વહેલું બંધ થઈ જાય છે. દિવાળીના તહેવારોમાં ઘરની સાફ સફાઈ સહીતના કામકાજો માટે જરૂરિયાત મુજબ પાણી પુરવઠો મળતો નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે, નાગરિકોને 24 કલાક પાણી આપવા છેલ્લા બેથી ત્રણ વર્ષથી બણઞા ફુકવામાં આવે છે. સેકટરોમા નવી પાઈપલાઈનો નાખવામા આવી છે. જેનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. પરંતુ તંત્રના પેટનુ પાણી હલતુ નથી. પાણીના મિટરો પણ ફેલ છે. ત્યારે વહિવટીતંત્ર દ્વારા 24 કલાકનો પાણીનો પ્રોજેકટ મૌકુફ રાખી શહેરના નાગરીકોને સવારે ત્રણ કલાક પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તેવી સત્વરે વ્યવસ્થા ગોઠવવા માંગણી છે.