કાલોલઃ પંચમહાલના કાલોલ તાલુકાના ઘૂસર ગામની ગોમા નદીમાં ખનીજચોરો બેરોકટોક રેતી ઉઠાવી જતાં હોવાથી ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. ગોમાં નદી સફેદ રેતીનો કાળો કારોબાર કરનારા રેતી માફિયાઓ માટે આશીર્વાદરૂપ બની છે. સરકારી અધિકારીઓની રહેમનજર નીચે આ વિસ્તારમાંથી દિવસ રાત રેતી ઉલેચવામાં આવી રહી છે. એટલે જ ટ્રેક્ટરો ભરી ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ બેફામ બન્યા છે, ગ્રામજનો વિરોધ કરે કે અવાજ ઉઠાવે તો હુમલા કરી ગ્રામજનોનો અવાજ દબાવી દેતા પણ આ માફિયાઓ ખચકાતા નથી. ત્યારે ગ્રામજનોએ એકઠા થઈને રેતી ભરેલા વહનો અટકાવતા ખનિજ માફિયા દોડી આવ્યા હતા. અને ગ્રામજનો સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ કાલોલ તાલુકાના ઘૂસર ગામની ગોમા નદીમાં ખનીજચોરો બેરોકટોક રેતી ઉઠાવી જતાં હોવાથી ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. ઘૂસર ગામે લોકોએ ગેરકાયદે રેતી ઉલેચતા ટ્રેક્ટરો પકડ્યા હતા અને ખનીજ વિભાગ તથા મામલતદારને બોલાવતા દોઢ કલાક સુધી કોઈ આવ્યું નહીં આ સમયમાં ખનન માફિયાઓ અને સ્થાનિક લોકો સાથે ઉગ્ર બોલાચાલી અંતે હાથપાઈમાં ફેરવાઈ હતી. કાલોલ તાલુકાના ઘૂસર વિસ્તારમાંથી પસાર થતી ગોમાં નદીનો વિસ્તાર જિલ્લા મથક ગોધરાની નજીક જ આવેલો છે. ત્યારે અહીં રેતી ચોરી અટકાવવા તાલુકાનું અને પંચમહાલ જિલ્લાનું વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે, ગોમાં નદીના પટમાંથી સતત રેતી ખનન થતા પાણીના જળ સ્તર અનેક ગામોમાં નીચા ઉતરી ગયા છે. આ વિસ્તારમાં બેફામ બનેલા રેતી ચોરો દિવસ રાત નદીના પટમાંથી રેતી કાઢી રહ્યા છે. આ વિસ્તારમાં દિવસ રાત સફેદ રેતીનો કાળો કારોબાર કરી બેફામ બનેલા ખનન ચોરોને અધિકારીઓનો કે પોલીસનો પણ ડર નથી રહ્યો. બે દિવસ પહેલા ઘૂસરના સ્થાનિક આગેવાન દ્વારા આ ગેરકાયદે ચાલતી રેતી ચોરી અટકાવવા તાલુકા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. એ સંદર્ભે તપાસ આવવાની હોવાથી સ્થાનિક રહીશો એ ગેરકાયદે ચાલતા રેતીના ટ્રેક્ટરો અટકાવતા રેતી માફિયાઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ભારે બબાલ થઈ હતી. રેતી માફિયાઓએ જાહેરમાં સ્થાનિક લોકો સાથે હાથાપાઈ કરી ટ્રેક્ટરો છોડાવી જવા પ્રયત્ન કર્યા હતા.દરમિયાન સરકારી અધિકારીઓ ઘૂસર ગામે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લા ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટરો અને ઓફિસર્સ પોતાના નંબરો પણ બંધ રાખતા હોવાથી અથવા તેઓ ફોન રિસીવ જ નથી કરતા એવી પણ બુમો ઉઠી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)