અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે તમામ વિદ્યાર્થીઓ ધો.11 અને ડિપ્લોમાંના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લાયક બન્યા છે. પણ પ્રશ્ન એ ઊભો થયો છે કે, ધો10માં માસ પ્રમોશન મેળવેલા તમામ વિદ્યાર્થાઓને ધો.11 માં સમાવી કેવી રીતે શકાશે. ધોરણ 11માં પ્રવેશ માટે મુશ્કેલીઓ વધી શકે છે.
શિક્ષણ વિભાગે રાજ્યની દરેક સ્કૂલ પાસેથી ધો.9થી 12ના વર્ગખંડોની સંખ્યાની માહિતી મગાવી હતી, જેમાં જાણવા મળ્યું કે, માત્ર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.10ના 9635 વર્ગ ખંડો સામે ધો.11માં 5141 વર્ગ ખંડો છે. આથી નવા શૈક્ષણિક વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ ધો.11ના 4494 વર્ગખંડોની ઘટ ઊભી થશે. એક વર્ગ ખંડમાં 30ની સંખ્યા પણ ગણીએ તો 1.34 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મુશ્કેલી ઊભી થશે. તજજ્ઞોના મતે ગ્રાન્ટેડ સ્કૂલો સૌથી વધુ શહેરી વિસ્તારમાં હોવાથી પ્રવેશની મુશ્કેલી શહેરી વિસ્તારમાં જ ઊભી થશે.
ધો.10ના માસ પ્રમોશન બાદ સૌથી મોટી સમસ્યા વિદ્યાર્થીઓને ધો.11માં સમાવવાની છે. ખાનગી સ્કૂલો પાસે યોગ્ય સંખ્યામાં ક્લાસરૂમ હોવાનો દાવો બોર્ડના અધિકારીઓ કરે છે, પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વર્ગખંડોની જરૂરિયાત ઊભી થશે. આ માટે શિક્ષણ વિભાગ એક્શન પ્લાન તૈયાર કરી રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં વધુ સમય લાગી શકે છે.
નવા વર્ગોની મંજૂરી માટે બોર્ડે જુલાઈ સુધીનો સમય આપ્યો છે. એવું બની શકે છે કે, નવા વર્ગોની મંજૂરી માટેના નિયમોમાં ફેરફાર કરાય. ગ્રાન્ટેડ સ્કૂલો સૌથી વધુ શહેરી વિસ્તારોમાં હોવાથી મુશ્કેલી શહેરી વિસ્તારમાં થશે. ગુજરાત બોર્ડ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ખાનગી સ્કૂલોમાં ધોરણ 10ના 6500 વર્ગો સામે ધોરણ 11ના 6300 વર્ગો છે. આથી ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં મુશ્કેલી નહિ થાય. શહેરી વિસ્તારમાં ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા વધારે છે. કોઈ વિદ્યાર્થી પ્રવેશ વગર રહેશે નહીં તે અમે નિશ્ચિત કરીશું. વધુ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રવેશ મેળવવાની સ્થિતિએ દરેક સ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી કરવી પડશે.
સ્કૂલોમાં મોટી સંખ્યામાં પ્રવાસી શિક્ષકોની ભરતી થશે. પ્રવાસી શિક્ષકને તાસદીઠ રૂ.90 ચૂકવાય છે, જે 13,500ની મર્યાદામાં હોય છે. માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો પ્રવાસી શિક્ષક તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. શિક્ષણ તજજ્ઞોના મતે, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે. આથી જો ગ્રાન્ટેડ અને સરકારી હાઈ સ્કૂલોમાં વર્ગખંડોની ઘટ ઊભી થશે તો તેની સૌથી વધુ અસર આ વર્ગને થશે. ઉપરાંત અંતરિયાળ ગામડાંમાં જ્યાં સરકારી હાઈ સ્કૂલો છે ત્યાં અત્યારથી જ વ્યવસ્થા શરૂ કરવી જોઈએ.