ગ્રીસમાં પીએમ મોદીને રાષ્ટ્રપતિએ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરાયો
નવી દિલ્હીઃ ગ્રીસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા એથેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીકના રાષ્ટ્રપતિ સાકેલારોપોલૂ સાથેની મુલાકાત દરમિયાન ચંદ્રયાન-3 મિશનની સફળતા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા માત્ર ભારતની સફળતા નથી, પરંતુ તે સમગ્ર માનવજાતની સફળતા છે. ચંદ્રયાન-3 મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાના પરિણામો સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય અને માનવજાતને મદદ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સપ્ટેમ્બર 1983માં ગ્રીસની મુલાકાતે ગયા હતા.
વિદેશ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા ગયા હતા. જ્યાં તેમણે બ્રિક્સ સંમેલન ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠક દરમિયાન નરેન્દ્ર મોદી દુનિયાના વિવિધ દેશના મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. બ્રિક્સ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા ગ્રીસ ગયાં હતા. ગ્રીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીએમ મોદી ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના ખાસ આમંત્રણ પર ત્યાં પહોંચ્યા છે. ભૂમધ્ય દ્વીપની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન, પીએમ ઘણા કરારો પર હસ્તાક્ષર કરશે અને અન્ય વચ્ચે વેપાર અને રોકાણ, શિપિંગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. મીડિયા રિપોર્જટસ મુજબ ગ્રીસ ભારત માટે યુરોપમાં મુખ્ય પ્રવેશ બિંદુ તરીકે પોતાને સ્થાન આપવાના ધ્યેય સાથે, તેના એરપોર્ટ અને દરિયાઈ બંદરોના ખાનગીકરણમાં ભારતની સહાયની નોંધણી કરવાની સંભાવના પર વિચાર કરી રહ્યું છે.