અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં સરકાર કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ લાવી રહી છે. આ સુચિત કાયદાને લીધે તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા પૂર્ણ થઈ જશે. રાજ્ય સરકારને સંપૂર્ણ સત્તા મળશે, સેનેટ, સિન્ડિકેટ, વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપૂર્ણ નાબૂદ થઈ જશે, ઉપરાંત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રતિનિધિત્વ અને ભાગીદારી ખતમ થશે, આથી અધ્યાપકો દ્વારા કોમન યુનિ.એક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં સોમવારે ગ્રાન્ટેડ કોલેજમાં અધ્યાપકો દ્વારા કાળી પટ્ટી બાંધીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. અગાઉ પણ અધ્યાપકો દ્વારા ધરણાં તથા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત કોમન યુનિવર્સિટી બિલ-2023ને લઈને અધ્યાપક મંડળ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. અધ્યાપકોએ અગાઉ એક દિવસનાં ધરણાં કરીને વિરોધ કર્યો હતો અને કુલપતિને પણ રજૂઆત કરી હતી. અધ્યાપકોના કહેવા મુજબ કોમન યુનિવર્સિટી એક્ટ માત્ર સરકારી યુનિવર્સિટી માટે જ છે, ખાનગી યુનિવર્સિટી માટે નથી. જેથી સરકાર સીધું નિયંત્રણ કે હસ્તક્ષેપ કરી શકશે. ગુજરાત કોમન યુનિવર્સિટી બિલ-2023ને લઈને અગાઉ અધ્યાપક મંડળ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. સરકારને એક્ટ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં ન લેવાતાં અંતે અધ્યાપકો હવે સરકાર સામે ધરણાં કરી રહ્યા છે. સામવારે રાજ્યભરમાં અધ્યાપકો દ્વારા પોતાની કોલેજના કેમ્પસમાં જ કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો. અધ્યાપકોએ શિક્ષણકાર્ય ખોરવાય નહિ તે રીતે અભ્યાસ ચાલુ રાખીને કપડા પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. અધ્યાપકોએ કોલેજ કેમ્પસમાં સૂત્રોચાર કરીને કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ પણ કર્યો હતો. આગામી દિવસોમાં હજુ પણ વિરોધ યથાવત જ રાખવામાં આવશે.
કોમન યુનિ,એક્ટના વિરોધમાં લડત ચલાવી રહેલા અધ્યાપકોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ સરકાર દ્વારા બે વખત એક્ટ પરત ખેંચી લેવામાં આવ્યો હતો. આ વર્ષે ફરી વખત આ એક્ટ લાગુ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આ એક્ટ લાગુ થવાથી ગ્રાન્ટેડ કોલેજ અને સરકારી યુનિવર્સિટીની સ્વતંત્રતા છીનવાઈ જશે. ખાનગી યુનિવર્સિટીના એક્ટ લાગુ નહીં પડે, જેથી ખાનગી યુનિવર્સિટીને ફાયદો થશે. વિદ્યાર્થીઓએ સસ્તી ફી છોડીને મોંઘીદાટ ફીમા ખાનગી યુનિવર્સિટીમાં ભણવામાં મજબૂર થવું પડશે. અધ્યાપકોને જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને પણ નુકસાન થશે. જેથી અમે વિરોધ કરી રહ્યા છીએ. આજે પણ અમે કાળી પટ્ટી બાંધીને શિક્ષણ કાર્ય ચાલુ રાખીને વિરોધ કર્યો હતો.