અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી હવે વિદેશના વિદ્યાર્થીઓ માટે પણ માનીતી બની ગઈ છે. કારણે છેલ્લા વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે યુનિનો સંપર્ક કરી રહ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (આઇસીસીઆર) અંતર્ગત 2021-22માં ગુજરાતમાં 324 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. 2019-20માં વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 120 હતી. પ્રવેશ મેળવનારામાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ જીટીયુમાં, ત્યારબાદ ગુજરાત યુનિ.માં પ્રવેશ મેળવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આઇસીસીઆર અંતર્ગત કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત દર વર્ષે વિવિધ 60 જેટલા દેશોના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ માટે આવે છે. આ તમામ વિદ્યાર્થીઓની ફી કેન્દ્ર સરકાર સ્કોલરશિપ રૂપે આપે છે. ગુજરાતના શિક્ષણ અને સંસ્થાઓની સુવિધાને કારણે હવે વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની પહેલી પસંદ ગુજરાતની જીટીયુ બની રહી છે. આ વર્ષે આફ્રિકન દેશો ઉપરાંત અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે. સૌથી વધુ વિદ્યાર્થીઓએ જીટીયુની વિવિધ કોલેજોની પસંદગી કરી છે, આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ પણ વધારો થઇ શકે છે.
ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ શિક્ષણની શ્રેષ્ઠ સુવિધા મળે છે. પહેલાથી જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યાં છે તેઓ પોતાના દેશમાંથી આવનારા વિદ્યાર્થીઓને ગુજરાત પસંદ કરવાનું કહે છે. ગુજરાતમાં કોઇપણ વિદ્યાર્થીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લવાય છે. જીટીયુમાં ચાલુ શૈક્ષણિક વર્ષે વિવિધ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એડમિશન માટે વિદેશના 1240 વિદ્યાર્થીઓએ અરજી કરી છે, ગત વર્ષે આ સંખ્યા માત્ર 200 હતી.