અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી ગુજકેટની પરીક્ષા આગામી તા. 3જી એપ્રિલે યોજાશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. સૌથી વધારે સુરતથી 18 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજ્યમાં 626 બિલ્ડિંગના 6598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે. આ વર્ષે રજિસ્ટર્ડ થયેલામાં કુલ 74687 વિદ્યાર્થી અને 55829 વિદ્યાર્થિની છે. 3 એપ્રિલને સોમવારે સવારે 10થી 12 એક શિફ્ટ અને બપોરે 2થી 4 બીજી શિફ્ટ રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા 3જી એપ્રિલનો રોજ લેવામાં આવશે. આ વર્ષે કૂલ 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 1.15 લાખ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના, જ્યારે 13570 સીબીએસઈ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપ ઓપન સ્કૂલિંગના 546, કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામના 542, મહારાષ્ટ્ર બોર્ડના 230, રાજસ્થાન બોર્ડના 72 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાલ, બિહાર બોર્ડ સાથે જ ભારત ઉપરાંત 13 વિદ્યાર્થીએ વિદેશથી પણ ગુજકેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 03-04-2023ને સોમવારના રોજ યોજાશે. આ પરીક્ષા સવારે 10થી સાંજે 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજિસ્ટ્રેશન થયેલી શાળાઓમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરાયો છે. NCERT આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલા પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-2023 ની પરીક્ષા માટે રહેશે. ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે.જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે.(file photo)