અમદાવાદઃ રાજ્યની પ્રજાને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા મા અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. દરમિયાન દેશની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે પીએમજેએવાય યોજના શરૂ કરી હતી. જેથી ગુજરાતમાં પણ પીએમજેએવાય-મા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 1.73 કરોડથી વધુ લાભાર્થીઓને આવરી લેવાયાં છે.
ગુજરાતની વધુ એક સિદ્ધિ સામે આવી છે. 2.89 કરોડના લક્ષ્યાંક સામે 1.73 કરોડથી વધુ લાભાર્થીઓને ‘PMJAY-મા’ યોજના હેઠળ આવરી લેવાયા છે. હવે ‘મા’ કાર્ડ પર પરિવારના દરેક સભ્યોને વિનામૂલ્યે સારવારનો લાભ મળશે.
દેશના જરૂરિયાતમંદ અને ગરીબ કુટુંબોને રૂ.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહે તેવા ઉમદા હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-‘PM JAY’ અમલી બનાવી છે. જે ગુજરાત-ભારતના કરોડો ગરીબ કુટુંબો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.
ગુજરાતમાં પણ વર્ષ 2012થી કરોડો ગુજરાતીઓના હિતમાં શરૂ કરેલી ‘મુખ્યમંત્રી અમૃતમ-‘મા અને “મા વાત્સલ્ય” યોજનાનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાનો સમન્વય-મર્જ કરીને ‘PMJAY-મા’ યોજના કાર્યરત કરી છે.