Site icon Revoi.in

ગુજરાતમાં PSI ભરતીની પરીક્ષા આપ્યા વિના 10 લોકો નોકરીએ લાગી ગયા, આક્ષેપ બાદ તપાસ સોંપાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ભરતી માટે લેવાતી વિવિધ પરીક્ષાઓમાં પારદર્શકતાનો દાવો કરવામાં આવે છે. પરંતું કોઈને કોઈ કારણે વિવાદો તો થતાં જ રહે છે. દરમિયાન રાજ્યમાં તાજેતરમાં પીએસઆઈની ભરતી કરવામાં આવી હતી, જેમાં કેટલાક વિદ્યાર્થીઓની લેખિત કે મૌખિક પરીક્ષા આપ્યા વિના સેટિંગથી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર અને પોલીસ ભરતીની પ્રક્રિયા પર સણસણતો આક્ષેપ મૂકતાં જણાવ્યું હતું કે 40 લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. યુવરાજસિંહે આ અંગેના પુરાવા રજૂ કરતાં જણાવ્યું હતું કે આ યુવાનનું સફળ થયેલા ઉમેદવારોની કોઈપણ યાદીમાં નામ નથી. 2021માં થયેલી એએસઆઇ અને પીએસઆઇની ભરતી પરીક્ષામાં 1,382 પૈકી 10 લોકો આ રીતે ભરતી થઈ ગયા છે. વડોદરાથી સફળ થયેલા ઉમેદવારોને અપાયેલા નિમણૂકપત્રમાં પણ મયૂરનું નામ નથી. આ આક્ષેપના પગલે સરકાર સફાળી જાગી છે. અને તપાસના આદેશ અપાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરીથી કરાઇ એકેડમીની ચર્ચાએ જોર પકડ્યુ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોલીસ ભરતીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો કર્યા બાદ સરકારે  પોલીસ એકેડમીમાં PSIની બોગસ તાલીમ લેવાના આરોપ કેસમાં રાજ્ય પોલીસ વડાએ તપાસ સોંપી છે. ષડયંત્રમાં સામેલ લોકો અને માહિતી લીક કરનારા સામે ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. દરમિયાન યુવરાજસિંહે જણાવ્યુ હતુ કે, આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 ઉમેદવારો ગોઠવણથી લાગી ગયા છે. આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. હાલ આ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ સાથે પોલીસ દ્વારા સંડોવાયેલા અધિકારીઓની તપાસ પણ કરવામાં આવશે.

યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ડીજીપી કાર્યાલયથી આ ક્યાંય નામ નથી તેવા યુવકને એલોટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યો છે. જેમાં મયુર તડવીનું નામ પણ દર્શાવવામાં આવેલું છે. આ ઉપરાંત યુવરાજસિંહે કરાઈ ખાતે ટ્રેનિંગ લઈ રહેલા જવાનોની તસવીર પણ મીડિયાને બતાવી અને જણાવ્યું કે હાલ કરાઈ ખાતે લોની ટ્રેનિંગ ચાલી રહી છે. જેમા ભાઈ કાયદાનું જ્ઞાન લઈ રહ્યા છે. અમે ફિઝીકલ અને મુખ્ય પરીક્ષાના પરિણામોની યાદી તપાસ કરી. જેમાં મયુરકુમાર તડવીનું નામ ક્યાય દેખાતું નથી. અમે વડોદરા પોલીસ સ્ટેશન ખાતે જ્યાંથી બધા ઉમેદવારોને નિમણૂક પત્રો મળ્યા તેની તપાસ કરી તો તેમાં પણ તેનું નામ ક્યાંય ન હતુ. નિમણૂક પત્રમાં ત્રીજા નંબરે એક નામ છે વિશાળસિંહ રાઠવા. આ ભાઈ પાસ થયો છે અને નિમણૂક પત્રમાં નામ છે પરંતુ કરાઈ ખાતે જે ટ્રેનિંગ લઈ રહ્યો છે તે આ નથી પરંતુ મયુરકુમાર તડવી છે. આ કોઈ ભૂલ નથી. આ અધિકારીઓની મિલિભગતથી જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે. શંકાની સોય પોલીસ વિભાગની કચેરીના ઉચ્ચ અધિકારી અને બિરસા મુંડા ભવન ખાતેના ઉચ્ચ અધિકારીઓ પર છે. તેમની મિલિભગતથી આ બધું જ શક્ય છે. મયુરકુમાર તડવીને કઈ રીતે ખબર પડે કે મારે આ લેટર લઈ જવાનો છે અને હું આ લેટરમાં છેડછાડ કરીશે તો મને સીધી જ કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં એન્ટ્રી મળી જશે. આ ભાઇ છેલ્લા એક મહિનાથી એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે.