અમદાવાદઃ ગુજરાતમાં આગામી તા. 19મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે તા. 21મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દરમિયાન 1267 જેટલી ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. આમ હવે 8851 બેઠકો ઉપર તા. 19મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીપંચ દ્વારા તાજેતરમાં જ 10 હજારથી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ પણ ભરવામાં આવ્યાં હતા અને ગઈકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 1267 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. રાજકોટની 130, સુરતની 79, સુરેન્દ્રગરની 78, ભાવનગરની 76 અને કચ્છની 74 ગ્રામ પંચાયત સમરસ બની છે.
જ્યારે હવે 8851 ગ્રામ પંચાયત ઉપર આગામી 19મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જો કે પ્રત્યક્ષ રીતે કોઈ રાજકીય પક્ષો ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા નથી પરંતુ આમ જોઈએ તો પરોક્ષ રીતે ચૂંટણી લડનારા કોઈને કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય છે, અને જેને લઇને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામતો હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપર ઉપર યોજાશે. પુરતી સંખ્યામાં ઈવીએમ નહીં હોવાથી આ ચૂંટણી બેલેટ પેપર ઉપર કરવાની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. હાલ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.