Site icon Revoi.in

ગુજરાતમાં અષાઢી બીજના દિવસ દરમિયાન 4 ઈંચથી લઈને ઝાંપટાં સુધી 146 તાલુકામાં વરસાદ પડ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢીબીજના દિને પણ દિવસ દરમિયાન મેઘરાજાએ પધરામણી કરીને ચાર ઈંચથી લઈને ઝાપટાં સ્વરૂપે વરસીને 146 તાલુકાને ભીંજવી દીધા હતા. જેમાં આજે બપોર બાદ રાજકોટના લોધીકા તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના ઓલપાડમાં પણ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે તાપી, વલસાડ,ગોંડલ, નવસારી, વલ્લભીપુર, ખેરગામ,મેંદગડા, દીઓદર, કાલાવાડ,  સહિત 146 તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હતી.

રાજકોટમાં એક ઇંચ વરસાદથી પોપટપરાનું નાળુ જળબંબાકાર થયું છે. બીજી તરફ ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ગોંડલના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. ગોંડલની નાની બજારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલની ભવનાથ, રાધાકૃષ્ણ, કૈલાશબાગ અનેનાની બજાર સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. ભારે વરસાદથી ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા છે. ગોંડલના કોલીથડમાં ધોધમાર વરસાદથી નદી બે કાંઠે થઈ હતી. ગામની મધ્યમાંથી પસાર થતી નદીમાં ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું છે.

સુરતમાં ગત મોડી રાત્રે તોફાની વરસાદ થતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. શહેરમાં રાત્રે શરુ થયેલા ધમાકેદાર વરસાદના લીધે માત્ર 6 કલાકની અંદર 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સવારે કપરાડામાં માત્ર 2 કલાકની અંદર ત્રણ ઈંચ વરસાદ થયો છે. સુરતના ઓલપાડમાં સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ થયો હતો. મુંબઈમાં આજે તથા આવતીકાલ એમ બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. આ તરફ આણંદમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે જેમાં બોરસદમાં 11.5 ઈંચ વરસાદ પડ્યો હતો.. ગત રાત્રે કામરેજમાં 8 ઈંચ, સુરત શહેરમાં 7 ઈંચ અને ઓલપાડમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ થયો છે. જ્યારે ઉમરપાડામાં 6.5 ઈંચ વરસાદ થયો છે, સુરતના માંગરોળમાં 6 ઈંચ વરસાદ થયો છે. આ તરફ આણંદના બોરસદમાં 11.5 ઈંચ, આંકલાવમાં 3 ઈંચ, નડિયાદમાં 4.5 ઈંચ, નર્મદાના ડેડિયાપાળામાં 4.2 ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં 3.7 ઈંચ, વડોદરાના પાદ્રા અને ભરુચના નેત્રંગમાં 3 ઈંચ વરસાદ થયો છે. જ્યારે ભરુચના વાલીયામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
સુરતના ઓલપાડમાં તોફાની વરસાદ થતા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. તોફાની વરસાદના લીધે કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, આ સિવાય ઓલપાડમાં આવેલી ખાડીમાં પણ ધસમસતા નીર વહી રહ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.