અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ ઘણીબધી સરકારી શાળાઓમાં પુરતા ઓરડાં નથી. પુરતા શિક્ષકો નથી. રાજ્યમાં માત્ર એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યા 1275 છે. રાજ્યમાં 17 ટકા શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા ‘નો ટીચર, નો ક્લાસ – સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2021’માં આ વિગતો બહાર આવી છે. એક જ શિક્ષકથી ચાલતી સૌથી વધારે 21 હજાર શાળાઓ મધ્યપ્રદેશમાં છે. રિપોર્ટની વિગતો મુજબ, ગુજરાતમાં 54581 શાળાઓ છે જેમાંથી 77 ટકા શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં છે. કુલ શિક્ષકોની સંખ્યા 4 લાખ આસપાસ છે જેમાંથી 66 શિક્ષકો ગ્રામ્ય વિસ્તારમાં છે.
યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા ‘નો ટીચર, નો ક્લાસ – સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2021’માં એવી વિગતો પણ આપવામાં આવી છે કે, ગુજરાતમાં કુલ શિક્ષકોમાંથી 53 ટકા શિક્ષક મહિલાઓ છે. રાજ્યમાં 1275 શાળાઓ એવી છે. જેમાં માત્ર એક શિક્ષકથી જ ભણાવવામાં આવે છે. આ સંખ્યા કુલ શાળાઓની સંખ્યા 2 ટકા જેટલી થાય છે. એક જ શિક્ષકવાળી કુલ શાળાઓમાંથી 87 ટકા શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં છે. રાજ્યની 17 ટકા શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે. અહેવાલ મુજબ, ગુજરાતમાં 30869 શિક્ષકોની હજૂ જરૂરિયાત છે. જેમાંથી 39 ટકા જરૂર ગ્રામ્ય વિસ્તારોમાં છે. દેશમાં કુલ 11 લાખ શિક્ષકોની હજૂ પણ જરૂરિયાત છે. રાજ્યની કુલ શાળાઓમાંથી 77 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં છે. 98 ટકા શાળાઓ પાકા રસ્તાઓથી જોડાયેલી છે. તમામ શાળાઓમાં પીવાના પાણીની પૂરતી સુવિધાઓ છે. 76 ટકા શાળાઓમાં લાઈબ્રેરીની જ્યારે 67 ટકા શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા છે. 76 ટકા શાળાઓમાં મફતમાં પુસ્તકો મળે છે. 96 ટકા શાળાઓમાં છોકરાઓ માટેનું શૌચાલય જ્યારે 97 ટકા શાળાઓમાં છોકરીઓ માટેનું શૌચાલય ચાલું સ્થિતિમાં છે. રાજ્યની તમામ શાળાઓમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ છે. 76 ટકા શાળાઓમાં ક્લાસરૂમની સ્થિતિ સારી છે એટલે કે 24 ટકા ક્લાસ રૂમ સારી સ્થિતિમાં નથી.