અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા આ અવસરે સુશાસન સપ્તાહની ઊજવણી ચાલી રહી છે. એ અંતર્ગત નારી ગૌરવ દિવસની ઊજવણીના કાર્યક્રમમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ રાજકોટ આવ્યા હતા. આ તકે તેમણે કહ્યુ હતું કે સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં એક ક્રાંતિકારી પહેલ ચાલી રહી છે. વીજ વપરાશ ક્ષેત્રે સ્વાવલંબન બનવા સોલાર રૂફટોપ તરફ વળ્યા છે. રાજયમાં 2 લાખ 66 હજાર ઘરમાં એક હજાર મેગા વોટનો સોલાર ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવા રૂફટોપ લગાવ્યા છે.
સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થતાં હવે ગુજરાતનાં લોકો ઘરે ઘરે વીજ ઉત્પાદન કરતાં થયા હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે,રાજયમાં કુલ 2.66 લાખ પરિવારોએ સોલાર ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવા સોલાર રોફટોપ લગાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચારણકા ખાતે સોલર પાર્કના ઉદ્દઘાટન વખતે વર્ષ 2012 માં એટલે કે આજથી 9 વર્ષ પહેલા એક સપનું હવે હકીકતમાં બદલાયું છે.
તેમણે વધુમાં જમાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કુશળ નેતૃત્વ હેઠળ ગ્રીન એનર્જીને ઉત્તેજન આપવા તથા પર્યાવરણના જતનના ભાગરૂપે સૂર્ય-ગુજરાત યોજના લાગુ કરી અને તા. 2જી ઓગસ્ટ 2021 ના રોજ રાજ્યમાં રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા 1,000 મેગાવોટથી વધુ પણ વધુ થવા પામી છે. અને કુલ 2.66 લાખ થી વધારે ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઇ ચુકી છે. આ યોજના અંતર્ગત કુલ રૂ. 1640 કરોડની સબસીડી આપવામાં આવી છે.
રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે .સૂર્ય-ગુજરાત યોજના માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અત્યાર સુધીમાં 932 મેગાવોટની ક્ષમતા માટે રૂ. 1530 કરોડની સહાય પણ મંજૂર કરવામાં આવી છે જેમાં પણ રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. સમગ્ર ગુજરાત રાજ્યની જનતાના ઉત્સાહ અને કંઇક નવું કરવાની ખુમારીને લઇને આપણા રાજ્યે એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન પાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે સૂર્ય-ગુજરાત યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા 40% સુધીની સબસીડી આપવામા આવે છે અને આ સબસીડીનો લાભ લઇ વધુ ને વધુ પરિવારો તેમના ઘર ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવી રહ્યા છે.
ઊર્જા પ્રધાન સૌરભભાઇ પટેલે આ તબક્કે ઉમેર્યું કે, ગ્રીન એનર્જી કલીન એનર્જીના નિર્માણ ક્ષેત્રે વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના ભાગરૂપે રાજ્યમાં કેન્દ્ર સરકારના સહયોગથી રૂફટોપ સોલાર યોજના કાર્યાન્વિત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સોલાર રૂફટોપ યોજનાનો લક્ષ્યાંક 2022 સુધીમાં દેશમાં 40 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવાનો છે.