ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી માટે માન્ય સંસ્થા, મંડળી, કાંતનાર કે વણનાર કારીગરો દ્વારા રાજ્યમાં ઉત્પાદિત થતી ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર 20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. ખાદીની માન્ય સંસ્થા અને મંડળીઓને આ સહાય તા. 2જી ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2023ના સમયગાળા માટે આપવામાં આવશે.
આ સંદર્ભે ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ પહેલ ‘ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન’ની થીમને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે ધાર્મિક તહેવારો, જાહેર તેમજ સામાજિક પ્રસંગોમાં લોકોને ખાદીની ખરીદી માટે વડાપ્રધાનએ કરેલા આહવાનને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત સંસ્થા, મંડળીઓ દ્વારા ગુજરાતમાં ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રની વસ્તુઓ ખરીદવા લોકો આકર્ષિત થશે અને ખાદી/પોલીવસ્ત્રનું વેચાણ વધશે.
તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીએ ખાદીના ઉત્પાદન તથા વેચાણનો વ્યાપ વધે તે માટે હરહંમેશ તત્પરતા દાખવી છે અને ગાંધી જયંતી નિમિત્તે કાર્યકરો સાથે ખાદી ભવનમાં રૂબરૂ જઈ ખાદી ખરીદીને લોકોનો ખાદી ખરીદવા ઉત્સાહ પણ વધાર્યો છે. રાજ્યમાં ખાદીનું વેચાણ વધવાથી ગુજરાતની KVICનું પ્રમાણપત્ર ધરાવતી લગભગ 230 જેટલી માન્ય ખાદી સંસ્થા/મંડળીઓના ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ અંતરીયાળ વિસ્તારના અંદાજે 13500 જેટલા કાંતનાર અને વણનાર કારીગરોને સતત રોજગારી મળતી રહેશે. રાજ્ય સરકાર દ્વારા દૂરંદેશી અને નેક હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે, આ સહાય જાહેર થવાથી ગુજરાત રાજ્યની ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ સંસ્થા/મંડળીઓના કારીગરો દ્વારા ઉત્પાદિત થતી આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ રેડીમેઈડ ગારમેન્ટ વગેરે ચીજવસ્તુઓના વેચાણમાં વધારો થશે. આ ગાંધી નિમિત્તે નાગરિકો ખાદીની ચીજ-વસ્તુઓની ખરીદી કરી ખાદીની કામગીરી સાથે સંકળાયેલ કારીગરોને રોજગારી આપવામાં સહભાગી થાય તે માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ખાદી બોર્ડ મારફતે સમગ્ર વર્ષ દરમ્યાન પ્રદર્શન-સહ-વેચાણ મેળા યોજીને ખાદીના વેચાણને બહોળુ પ્રોત્સાહન આપવામાં આવે છે. હાલમાં ગાંધી જયંતી નિમિત્તે તા. ૦2 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન સુરત ખાતે પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.