રાજકોટઃ રાજ્યમાં કેટલાક વિસ્તારો વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે 26થી વધુ તાલુકામાં ઝાપટાંથી વઈને 6થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.જેમાં ગોંડલ, વીરપુર, વિસાવદર સહિત સોરઠ પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. ગોંડલ પંથકમાં શનિવારે સતત બીજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. સવારે અસહ્ય બફારા બાદ બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક જ ભારે પવન ફૂંકાવાનું શરૂ થતા ધૂળની ડમરી ઉડી હતી. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. તાલુકાના કોલીથડ ગામમાં ભારે વરસાદને પગલે રસ્તા નદી બન્યા હતા. શુક્રવારે પણ બાંદરા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ રાજકોટમાં સવારથી સૂર્ય પ્રકાશિત વાતાવરણ વચ્ચે ભારે બફારો વર્તાઇ રહ્યો હતો.
સૌરાષ્ટ્રમાં યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીરપુરના ઉમરાળી, હરિપર,મેવાસા સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. જયારે ગોંડલમાં જામવાડી, ચોરડી, મોવિયા, વોરકોટડા, અનિડા ભાલોડી, રામોદ, ઘોઘાવદર, બિલિયાળા, જામવાડી સહિતના ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદમાં પડ્યો હતો. ધોધમાર વરસાદને લઈને રામોદ ગામે ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જયારે કોલીથડમાં ધોધમાર વરસાદને લઈને મેઈન રોડ પર પાણી ભરાયા હતા.
રાજકોટના ઉપલેટામાં પડેલા વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઉપલેટા શહેરના વોર્ડ નંબર 7માં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ હતી. જ્યાં વોર્ડ નંબર 7માં રામદેવપીરના મંદિર પાસે ડગલી વાડીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીમાં ભારે નુકસાન થયું હતું. નોંધનીય છે કે પ્રથમ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા તંત્રની પ્રી-મોન્સુન કામગીરી અંગેના સવાલો ઉઠ્યા છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અગાઉ અનેક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. પરિણામે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી સહિતની વસ્તુઓ પાણીમાં ડૂબી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાણી ઘૂસવા અંગેની જાણ થતાં પૂર્વ પાલિકા પ્રમુખ દ્વારા તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી હતી
હવામાન વિશેષજ્ઞનું કહેવું છે કે હાલમાં અરબ સાગરમાં સક્રિય અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી સીમિત રહી છે. જેથી આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ, સર્ક્યુલેશનની સિસ્ટમ મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી પહોંચી નથી, જેથી વાદળો બને છે, પણ વાતાવરણના ઉપર અને નીચેના લેવલમાં વરસાદ ખેંચી લાવે તેવાં ભેજવાળા પવનોની અનુકૂળ પેટર્ન ન હોવાથી વાદળો વિખરાઇ જાય છે.