Site icon Revoi.in

ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની 3000 જગ્યાઓ ખાલી, શિક્ષણ કાર્યને અસર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો જ નહી પણ આચાર્યોની અનેક જગ્યાઓ ખાલી છે. ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓના અનેક પ્રશ્નો છે. અપુરતી ગ્રાન્ટના અભાવે શાળા સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયેલા છે. સરકારની નીતિ-રીતિને કારણે ધણીબધી ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી ગયા છે. તાજેતરમાં રાજ્ય આચાર્ય સંઘનું ત્રિદિવસીય અધિવાશન યોજાયું હતું. જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 3000 જગ્યાઓ ખાલી છે. ઉપરાંત આચાર્યોના ઉચ્ચતર પગાર ધોરણથી લઈને જુદા જુદા પડતર પ્રશ્નો ઉકેલવા માટે ઠરાવ કરાયો હતો.

ગુજરાતની ધો.9થી 12ના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાઓમાં આચાર્યોની 3000થી વધુ જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ ખાલી હોય વહીવટી કામો ખોરંભે ચડ્યા છે તેમ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ત્રિદિવસીય અધિવેશનમાં જણાવાયું હતુ. આ અધિવેશનનો આરંભ સ્વામી ધર્મબંધુજીના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ અધિવેશનમાં રાજ્યની 2500થી વધુ ગ્રાન્ટેડ શાળાના આચાર્યોએ ભાગ લઇને લાંબા સમયથી વણઉકેલ રહેલા પ્રશ્નો ચર્ચા વિચારણ કરી હતી. સાથે મહત્વપૂર્ણ બાબતોના ઠરાવ પણ કરવામાં આવ્યા હતા.

આ અધિવેશન તાલાલા ખાતે યોજાયું હતું.  જેમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જયપ્રકાશ પટેલે જણાવ્યું હતુ કે, આચાર્યોના પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે. આચાર્યોને એક ઉચ્ચત્તર પગાર ધોરણ મળે છે તેના બદલે હવે બીજું પગાર ધોરણ મળે. આચાર્યોને વેકેશનના 15 દિવસનું એલાઉન્સ અપાય, આચાર્યોની ભરતી જૂન પહેલા કરવામાં આવે, સ્કૂલ ઓફ એક્સલન્સના લાભ આપવામાં આવે. શિક્ષક અને આચાર્યોએ ભેગા મળીને દરેક ગ્રાન્ટેડ શાળાઓમાં 25-25 વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ પણ કરાયો હતો.

આ જ્ઞાનગોષ્ઠિ સમા અધિવેશનમાં બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટ, ડો. ધિરેન વ્યાસ, જશુભાઇ રાવળ, હસમુખ પટેલ, ભાનુભાઇ પટેલ, ભાવનગર આચાર્ય સંઘના ગોવિંદભાઇ બતાડા, રામદેવસિંહ ગોહિલ સહિતના રાજ્યભરના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતુ કે આચાર્યોના પ્રશ્નોનો ઉકેલ વહેલી તકે લાવવામાં આવશે. આ અધિવેશનમાં ટેકનોલોજી માટે ઉપયોગી એવી કંપનીઓ દ્વારા 40 જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા. (ફાઈલ ફોટો)