Site icon Revoi.in

ગુજરાતમાં 3359 પોલીસ કર્મચારીઓને પ્રમોશન અને 1949ને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ અપાયાં

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન મામલે ચાલતા વિવાદ વચ્ચે   અલગ-અલગ જિલ્લાના 3359 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે આ ઉપરાંત 1949 પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવીએ ટ્વીટ કરી આપી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓના પ્રમોશન અને ઉચ્ચતર પગાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.

ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન મામલે વિવાદ ચાલી રહ્યો છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત પોલીસમાં પગાર અને પ્રમોશન બાબતે વિસંગતતા હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં ગૃહ વિભાગ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મુદ્દે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ કોઇ પરિણામ નહીં મળવાના કારણે આખરે પોલીસ કર્મચારીઓએ પોતાના પરિવારને સાથે રાખી સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કરી આંદોલન છેડ્યું હતું .પોલીસ પરિવાર પણ માગણીના સમર્થનમાં રોડ ઉપર ઉતરી આવ્યો હતો.અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું હતું . જોકે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સરકારે સાથે મળી આંદોલનકારીઓ વિરુદ્ધ શિસ્ત ના પગલાં લેવાના નામે આંદોલન દબાવી દીધું અને ફટાફટ કમિટીની રચના કરી દીધી હતી. કમિટી દ્વારા અલગ-અલગ જિલ્લાના આયોજિત પોલીસ દરબારમાં પગાર ધોરણ અને પ્રમોશન નો મુદ્દો છવાયો હતો .અને અનેકવિધ રજુઆતો પણ કમિટી સમક્ષ કરવામાં આવી હતી. પરિણામે આજે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવી એ દિવાળીના તહેવારની ભેટ સ્વરૂપ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ત્રણ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને પ્રમોશન તેમજ એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવાની સત્તાવાર જાહેરાત ટ્વીટર માધ્યમથી કરી હતી.