Site icon Revoi.in

ગુજરાતમાં તા. 13મી અને 14મી ઓક્ટોબરે 33 જિલ્લાઓમાં 37 ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે,

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા.14 થી 15 ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં 13માં તબક્કાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા.14મી ઓક્ટોબરે તાપીથી અને તા.15મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે.  ઉપરાંત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીઓ તથા પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,   રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે લાભો મળી રહે તે હેતુસર વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2009-10થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવી આ નવતર અભિગમ વિકસાવ્યો હતો. અત્યાર સુધી 12 તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં કુલ 1567 ગરીબ કલ્યાણ મેળાઓ થકી 1.65 કરોડ લાભાર્થીઓને રૂ. 34,596 કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ 13માં તબક્કામાં લાભાર્થીઓ-દરિદ્રનારાયણને કરોડો રૂપિયાના સાધન-સહાય અને વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. 33 જિલ્લાઓમાં37 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં અપાતી સાધન સહાયમાં મળતા સાધનો ગુણવત્તાયુક્ત પુરા પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રી કક્ષાએથી સંબંધિતોને સુચનાઓ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે. કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરના અંત સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપની સરકારે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે. જિલ્લાના પ્રભારી મંત્રીઓ પણ ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ ગરીબ કલ્યાણ મેળાને લઈને લાભાર્થીઓની યાદી તૈયાર કરી દીધી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા.14મી ઓક્ટોબરે તાપીથી અને તા.15મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે