Site icon Revoi.in

ગુજરાતમાં ડીમ્ડ યુનિ.ઓની મેડિકલ કોલેજોમાં 50 ટકા બેઠકો પર સરકારી ધોરણે પ્રવેશ આપવો પડશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી મેડિકલ કોલેજોને હવે 50 ટકા બેઠકો પર વિદ્યાર્થીઓને સરકારી ધોરણે પ્રવેશ આપવા પડશે. જોકે ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા બેઠકો પર સરકારી ફીના ધોરણે પ્રવેશ ફાળવવામાં આવશે કે નહી તે મુદ્દે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતાં કરી નથી. પરંતુ નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ ડીમ્ડ યુનિવર્સિટીની મેડિકલ કોલેજની 50 ટકા બેઠકો પર ચાલુ વર્ષથી જ સરકારી મેડિકલ કોલેજના ધોરણે પ્રવેશ ફાળવવા આદેશ કરી દેવામાં આવતાં અન્ય સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં આ નિયમ લાગુ કરાશે કે કેમ તેની દ્વિધા ઉભી થઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ સ્વનિર્ભર મેડિકલ કોલેજની 50 ટકા બેઠકો પર સરકારી મેડિકલ કોલેજના ધોરણે ફી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ રાજય સરકારે લાંબા સમય સુધી કોઇ સ્પષ્ટતાં ન કરતાં મેડિકલના વિદ્યાર્થી એનએમસીમાં આરટીઆઇ કરી હતી. જેમાં કમિશને ચાલુ વર્ષથી જ આ જાહેરાત લાગુ કરાશે તેવી સ્પષ્ટતાં કરી હતી. આશ્ચર્યની વાત એ કે એફઆરસીએ જે ફી જાહેર કરી જેમાં આ વાતનો કોઇ ઉલ્લેખ સુધ્ધા કરવામાં આવ્યો નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીએ ફરીવાર આ મુદ્દે ખુલાસો માંગતા તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશને એવી સ્પષ્ટતાં કરી છે કે, ડીમ્ડ યુનિવર્સિટીઓએ પોતાની મેડિકલ કોલેજની 50 ટકા બેઠકો પર ચાલુ વર્ષથી સરકારી મેડિકલ કોલેજની ફીના ધોરણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજયમાં સુમનદીપ એક માત્ર ડીમ્ડ યુનિવર્સિટી છે જેને કમિશનનો આ નિર્ણય લાગુ પડી શકે તેમ છે. રાજયની અન્ય સ્વનિર્ભર મેડિકલ કોલેજમાં પણ ચાલુ વર્ષથી નિયમ લાગુ કરાશે તેવી અગાઉની સ્પષ્ટતાં છતાં સરકાર કક્ષાએ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સ્થિતિમાં ડીમ્ડ યુનિવર્સિટી કમિશનના નિયમને લાગુ કરશે કે કેમ તે મહત્વનું છે. સૂત્રો કહે છે ડીમ્ડ યુનિવર્સિટીઓને આ જાહેરાતનો અમલ કરવા કમિશન દ્વારા આદેશ કરવામાં આવતો હોય તો અન્ય સ્વનિર્ભર મેડિકલ કોલેજોને કેમ આ અંગે કોઇ આદેશ કરવામાં આવતો નથી તે મહત્વનું છે. (file photo)