Site icon Revoi.in

ગુજરાતમાં આધારકાર્ડના 56 ઓપરેટરોને કરાયા સસ્પેન્ડ, 271ને તાલીમ અપાશે

Social Share

અમદાવાદઃ આધારકાર્ડ દરેક સરકારી સેવામાં મહત્વનું બની રહ્યું છે. સરકારે આધારકાર્ડની આવશ્યકતા મોટાભાગની દરેક કાર્યવાહી અને પ્રક્રિયામાં વધારી દીધી છે, પરંતુ તેની સામે સરકારમાં સેન્ટ્રલી કોઈ જાતનું નિયંત્રણ ન હોય અનેક ક્ષતિઓ જોવા મનળી રહી છે. માત્ર મામુલી પગારમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, બીજીબાજુ  છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ કારણોસર મોટાભાગના નવા એનરોલમેન્ટની અરજી રીજેક્ટ થઇ રહી છે અને તેના કારણે ગુજરાતમાં ગત ઓગસ્ટ મહિના દરમિયાન 56 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે 271 ઓપરેટરોને રીટ્રેનિંગ આપવામાં આવી છે. જેના કારણે આધારકાર્ડની કામગીરી મંદગતિએ ચાલી રહી છે.

ગુજરાતમાં તમામ નાના-મોટા શહેરોમાં આઉટસોર્સથી કોન્ટ્રાક્ટ પર આધારકાર્ડનું કામ કરતા ઓપરેટરોને માત્ર 10,000 નો માસિક પગાર આપવામાં આવે છે.  જેને કોઈ નોટિસ કે વોર્નિંગ આપવા બદલે સીધા જ સસ્પેન્ડ કરી દેવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. ઓપરેટરોનો આક્ષેપ છે કે, આધારકાર્ડના મુખ્ય સર્વરમાં ટેક્નિકલ પ્રોબ્લેમ હોવાથી એરર આવી રહી છે. જેનો ભોગ ઓપરેટરો બની ગયા છે અને સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડ કઢાવવા માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આધારકાર્ડની અરજીમાં અરજદારોને મળતી એરરના પગલે UIDAI રીઝનલ ઓફિસ મુંબઈ દ્વારા આધારકાર્ડ ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 56 ઓપરેટરોને એક સાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 271 ઓપરેટરોને રીટ્રેનિંગ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે 56 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં સૌથી સુરતમાંથી 10, અમદાવાદમાંથી 5, રાજકોટમાંથી 4 અને વડોદરામાંથી 3 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના 54, રાજકોટના 25, સુરતના 29 સહીત કુલ 271 ઓપરેટરોને રીટ્રેનિંગ ઓર્ડર આપવામાં આવ્યો છે એટલે કે તેમને નવી કીટ રીસેટ સાથે આપવામાં આવી છે.