Site icon Revoi.in

ગુજરાતમાં ચાલુ વર્ષે 28મી ફેબ્રુઆરી સુધીમાં 592 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા મળી

Social Share

અમદાવાદઃ દેશમાં કોરોનાને પગલે અર્થતંત્રને ફરીથી બેઠુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યમાં ચાલુ વર્ષે 28મી ફેબ્રુઆરી સુધીમાં 592 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5444 કંપનીઓને માન્યતા પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળે છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160%નો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં  વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત હતી, જે સંખ્યા વર્ષ 2022માં 2,276 કંપનીઓ સુધી પહોંચી હતી. રાષ્ટ્રીય સ્તરે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020માં 14,498થી વધીને 83% નો વધારા સાથે 2022માં 26,542 થઈ હતી. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનાજવાબમાં આ માહિતી આપી  હતી.

ગૃહમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યમાં DPIIT દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020 માં 873,તેમજ 2021માં 1703 અને 2022માં 2,276 હતી, જ્યારે ગુજરાતમાંથી 592 કંપનીઓને ચાલુ વર્ષમાં 28 ફેબ્રુઆરી સુધી સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે. એટલે કે સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની કુલ સંખ્યા 5,444 કંપનીઓ સુધી પહોંચી છે. રાષ્ટ્રીય સ્તરે, DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યાના સંદર્ભમાં ગુજરાત તમામ રાજ્યોમાં પાંચમા ક્રમે છે. રાજ્યમાં યુવાનો સ્ટાર્ટઅપ શરુ કરે તે માટે સીએમ ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે.

(PHOTO-FILE)