ગુજરાતમાં સતત વરસાદ વચ્ચે 67 ડેમ 90 ટકાથી વધારે ભરાયાં
- સરદાર સરોવર ડેમમાં 66 ટકા પાણીનો સંગ્રહ
- સૌરાષ્ટ્રના 141 ડેમમાં 73 ટકા પાણીનો જથ્થો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસી રહ્યો છે, જેથી જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 66 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના લગભગ 67 જેટલા ડેમ 90 ટકાથી વધારે ભરાયાં છે.
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થી રહી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 62.68, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 37.27, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 45.95, કચ્છના 20 ડેમમાં 64.79, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 72.81 અને સરદાર સરોવરમાં 66.61 ટકા પાણીનો જથ્થો છે. વરસાદના નવા નીર જળાશયોમાં આવવાથી રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની તકલીફો દૂર થઈ ગઈ છે.
હાલમાં રાજ્યમાં 67 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 18 ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 22 ડેમ એવા છે જે 70 ટકા પાણીનો જથ્થો ધરાવે છે તેને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 99 ડેમમાં 70 ટકા કરતાં ઓછું પાણી ઓવાથી તેને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 63 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે.