અમદાવાદઃ ભાજપ સરકારમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. આ યોજનામાં જે નાણાં ફાળવવામાં આવ્યા હતા. તેમાંથી 67 ટકા નાણાં હજુ વપરાયા નથી. કન્યા કેળવણીમાં પણ ભાજપ સરકારની ઉદાસીનતાને લીધે માધ્યમિક શિક્ષણમાં ધોરણ-10 સુધી પ્રવેશ મેળવતી કન્યાઓની સંખ્યામાં 1.5 લાખનો ઘટાડો નોંધાયો છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેટી બચાવો બેટી પઢાવોની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં કન્યા શિક્ષણમાં ધોરણ-10 સુધી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. છેલ્લા પાંચ વર્ષમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ હેઠળ ગુજરાતને ફાળવેલા નાણાંમાંથી 67 ટકા નાણાં વણવપરાયેલા છે. ભાજપ સરકારની કન્યા કેળવણી માટેના ખોખલા દાવાની પોલ ખુલી ગઈ છે. ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો માટે છેલ્લા પાંચ વર્ષમાં 1990.37 લાખ ફાળવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 699.31 લાખ નાણાંનો ઉપયોગ કરાયો છે. પાંચ વર્ષમાં1251.06 લાખ જેટલા જંગી નાણાં વણવપરાયેલા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર કન્યા શિક્ષણ આપવામાં ઉણી ઉતરી રહી છે. ગુજરાતમાં 10માં ધોરણના એનરોલમેન્ટની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2014-15માં ધોરણ 10 સુધીમાં દાખલ થનાર કન્યાઓની સંખ્યા 49,39,983 હતી. જે વર્ષ 2020-21માં 47,89,372 થઈ એટલે કે વર્ષ 2014-15ના આધારે 1.5 લાખ જેટલી કન્યાઓ ધોરણ-10માં દાખલ થવાનો ઘટાડો સ્પષ્ટ જોવા મળે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવના નામે કરોડો રૂપિયાના ઉત્સવો પાછળ બેફામ નાણાં ઉડાવતી ભાજપ સરકાર 6000 શાળાઓને તાળા મારવાનું પાપ કરી રહી છે. જેની સૌથી વધુ અસર કન્યા શિક્ષણ પર સીધી પડશે. કન્યાઓનું એસ.એસ.સી.માં દાખલ થવાના ઘટાડા પાછળ રાજ્ય સરકારની કન્યા કેળવણી પ્રત્યેની ઉદાસીનતા સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં ઘટાડો, શાળા બંધ કરવાની નીતિ, ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસોના રૂટનો અભાવ અને પરિવારોની આર્થિક નબળી સ્થિતિ બીજી બાજુ સરકાર તરફથી કન્યા કેળવણી માટેનો પ્રોત્સાહનનો અભાવ, દીકરીઓના શિક્ષણ પર ગંભીર અસર કરી રહ્યું છે. વિકાસના બણગા ફુકતી અને બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રો પોકારતી જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર ગુજરાતની દીકરીઓને શિક્ષણથી વંચિત કેમ રાખી રહી છે.