ગુજરાતમાં કોરોનાને લીધે 794 બાળકો અનાથ બન્યા, 3106 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવમાં ઘણા બાળકોના માતા-પિતા છીનવાઈ ગયા છે. કોરોનાનો પ્રથમ કરતા બીજો કાળ કપરો રહ્યો છે. કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારાં બાળકો માટે ગુજરાત સરકારે યોજના શરૂ કરી છે, જેનો આગામી સોમવારથી મુખ્યમંત્રી રૂપાણી પ્રારંભ કરાવશે. રાજ્યમાં મહામારીમાં 794 બાળક માતા અને પિતા બંને ગુમાવી અનાથ બન્યાં છે. બીજી તરફ, ત્રણ હજારથી વધુ બાળકો મા અથવા બાપની છત્રછાયા ગુમાવી છે. રાજ્યમાં નિરાધાર બનેલાંમાંથી 220 બાળકો 10 વર્ષથી નાનાં અને 574 બાળક 10 વર્ષથી 18 વર્ષની ઉંમરનાં છે. જ્યારે એક વાલીવાળાં 1377 બાળક 10 વર્ષથી નાનાં અને 1729 બાળક 10થી 18 વર્ષની વયનાં છે.
કોરોનાના સંક્રમણને લીધે જે બાળકે એક વાલી ગુમાવ્યા હોય તેવા કિસ્સામાં પણ આ યોજનાનો લાભ અપાશે. અનાથ બાળકના કિસ્સામાં તેની જવાબદારી લેનારી વ્યક્તિના અલગ નવા બેન્ક અકાઉન્ટમાં દર મહિને ડીબીટી દ્વારા રૂ. 4 હજાર જમા થશે અને 10 વર્ષ બાદ બાળકના નામે ખાતું ખોલાવી એમાં સહાય જમા કરાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં નવાં આવેલાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર દ્વારા આ નવી યોજનાના અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઈ ચૂકી છે અને હવે ચોથી જુલાઈએ કાર્યક્રમ યોજી મુખ્યમંત્રીના હસ્તે યોજનાનું લોન્ચિંગ થશે, એમ જણાવાઈ રહ્યું છે. જે કુલ 3900 બાળક છે તેમને દર મહિને રૂ. 30.40 લાખ ચૂકવાશે.
મુખ્યમંત્રી રૂપાણીએ જાહેર કરેલી આ યોજનામાં કોરોનાથી નિરાધાર થયેલાં બાળકોને તેમની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને બાળકદીઠ ચાર હજારની માસિક સહાયતા આપશે. એ ઉપરાંત 18 વર્ષ પૂર્ણ કર્યાં હોય અને તેમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હોય તો તેમને પણ ધ્યાનમાં રાખીને આફ્ટર કેર યોજના અંતર્ગત તેમને 21 વર્ષની ઉંમર સુધી અને એવી જ રીતે 21 વર્ષથી 24 વર્ષ સુધી આ આફ્ટર કેર યોજનામાં પણ જે બાળકો જોડાયેલાં હશે તેમને 6 હજાર રૂપિયા માસિક આપવામાં આવશે. જે બાળકોને વિદેશમાં ભણવા જવાનું થશે તેમને કોઈપણ જાતની આવકની મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. આવનારા દિવસોમાં એ બાળકોને રાજ્ય સરકારની વિદેશની લોનની જે યોજના છે એમાં પણ અગ્રતાક્રમ આપવામાં આવશે.