અમદાવાદઃ ગુજરાતના 87 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસના બનાવાશે. રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઊભી કરવામાં આવશે. તેમજ ભારતના વારસાને જીવંત રાખવા તમામ 87 રેલવે સ્ટેશનો પર તેની ઝાંખી જોવા મળશે. રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે આરામગૃહ, લગેજરૂમ, પ્લેટફોર્મ પર બેસવા માટેની અદ્યત્તન સુવિધાઓ, ચા- પાણી ભોજનની ઉત્તમ વ્યવસ્થા, તમામ સ્ટેશનોને વાઈફાઈ સુવિધા વગેરે ઊભી કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 87 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરાશે. જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભક્તિનગર, ભાણવડ,ભાવનગર, ભેસ્તાન, ભીલડી, ગોંડલ, હાપા, બીલીમોરા, બોટાદ, ડભોઈ, ચાંદલોડિયા, ડાકોર, ધ્રાંગધ્રા, ગોધરા, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, કેશોદ, ખંભાળિયા અને કીમ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ રેલવે સ્ટેશનોને આધુનિક બનવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના 87 રેલવે સ્ટેશનમાં સુરતના કીમ અને બારડોલી રેલવે સ્ટેશનનો સમાવેશ થતા કીમ અને બારડોલી તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભૂતકાળમાં કીમ રેલવે સ્ટેશન એટલે સમસ્યાનું ઘર માનવામાં આવતું હતું. તેમાંથી વારંવાર બંધ થતી રેલવે ફાટક માથાના દુખાવા સમાન હતી. ટ્રેનોના સ્ટોપજ મળતા નોહતા તેવા સમયે કિંમને અનેક ટ્રેનોના સ્ટોપજ પણ આપ્યા છે. આજે કીમ રેલવે સ્ટેશન આધુનિક બની ગયું છે અને સતત સુવિધામાં વધારો થઇ રહ્યો છે. રેલ મંત્રી સુરતના હોય અને દક્ષિણ ગુજરાતની રેલવેની સમસ્યાથી તેઓ જાણકાર છે એટલે રેલવેને લગતી તમામ સમસ્યાઓમાંથી હવે ચોક્કસ નિકાલ આવશે અને રેલવે આધુનિક બનશે. વર્લ્ડ ક્લાસ બનશે પણ સાથે રેલવે મંત્રાલય એ પણ ધ્યાન રાખ્યું છે કે, ભારતના પારંપરિક વરસાને જીવંત રાખવા રેલવે સ્ટેશનો પર તેની ઝાંખી પણ જોવા મળશે.