સુરતઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અને છેલ્લા એક સપ્તાહથી કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. આજે શુક્રવારે બપોર સુધીમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતમાં 4 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાય ગયો હતા. સુરતના ઉમરપાડામાં 4 ઈંચથી વધુ તેમજ નવસારીના ખેરગામ, વલસાડના કપરાડામાં ત્રણ ઈંચ તેમજ બાકીના તાલુકામાં ઝાપટાંથી લઈને અઢી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આજે સવારથી ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આજે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આજે યેલો અલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી અને બોટાદ, મોરબીમાં આજે યેલો અલર્ટ અપાયુ છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. આવતીકાલે શનિવારે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહે છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત શહેરમાં વરસાદી માહોલ છે. છેલ્લા ત્રણ દિવસ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ આજે પહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના વરાછા, અઠવાગેટ, મજુરા ગેટ, સિટી લાઈટ, ચોકબજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ નોકરી તેમજ કામ ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી હતી.