ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં માસ્ક ન પહેરનારા 41.69 લાખ લોકો પાસેથી 294 કરોડનો દંડ વસૂલાયો
અમદાવાદઃ રાજ્યમાં ઠંડીમાં ધીમીગતિએ વધારની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનના ગુજરાતમાં કેસ નોંધાતા લોકોમાં ડર અનુભવાઈ રહ્યો છે. સાથે જ લોકો માસ્ક પહેરતા ન હોવાની ફરિયાદો મળી રહી છે. એટલે સરકારે પોલીસ વિભાગને માસ્ક નહીં પહેરનારા સામે રૂપિયા 1000નો દંડ વસુલવાની તાકિદ કરી છે. રાજ્યભરમાં અત્યારસુધીમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી 294 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પોલીસે 24 જૂન, 2020થી 2 ડિસેમ્બર, 2021 દરમિયાન 41.60 લાખ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ 294 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તેનો અર્થ એ છે કે, કોરોનાના સમયગાળામાં નિયમનો ભંગ કરનારાઓએ નિયમિત આશરે 56 લાખ રૂપિયાનો દંડ ચૂકવ્યો હતો. આ રકમથી અદ્યતન કોવિડ હોસ્પિટલ બનાવી શકાય અથવા શહેરમાં ફ્લાયઓવર બ્રીજ બનાવી શકાય તેમ છે. એટલું જ નહીં જો 13 કરોડ રૂપિયાના ખર્ચે 2 હજાર લિટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતો ઓક્સિજનનો પ્લાન ઉભો કરવામાં આવે તો આવા ઓછામાં ઓછા 22 પ્લાન્ટ બનાવી શકાય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતી પોલીસે 24 જૂન, 2020 અને 23 જૂન, 2021ની વચ્ચે નિયમનો ભંગ કરનારા 36.80 લાખ લોકો પાસેથી 247 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. જૂનથી નવેમ્બર એમ પાંચ મહિનામાં, રાજ્ય પોલીસે માસ્ક નિયમના ભંગમાં 47 કરોડ રૂપિયાનો દંડ લીધો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં હવે અમે માસ્ક ડ્રાઈવને તીવ્ર બનાવીશું
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસે દોઢ વર્ષમાં માસ્ક નહીં પહેરવા બદલ 41.60 લાખ લોકોને દંડિત કર્યા હતા. તેમણે 294 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. તેનો અર્થ એ છે કે, પોલીસે નિયમિત લગભગ 8 હજાર લોકોને દંડ ફટકાર્યો હતો. આમ હજુ પણ લોકો સમજતા જ નથી અને માસ્ક પહેરતા નથી. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું લોકો માટે જરૂરી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, રાજ્યમાં બે ભયંકર લહેર જોયા બાદ પણ લોકોએ માસ્ક પહેરવાની આદત કેળવી નથી. (file photo)