અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં વાહન ચોરીના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ પોલીસ દ્વારા ગુનેગારોને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન મોટરકારની ચોરી કરતી ટોળકીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધી હતી. આ ટોળકી નકલી ચાવીની મદદથી ગણતરીની મીનિટોમાં જ કારની ઉઠાંતરી કરતી હતી. એટલું જ નહીં ચોરેલી મોટરકારને રાજસ્થાનમાં બારોબાર વેચી મારતા હતા. આ ટોળકીએ મહારાષ્ટ્રમાં વાહન ચોરીના 150 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ 100 જેટલા વાહનોની ચોરીના ટાર્ગેટ સાથે આવ્યાં હતા. જો કે, તેઓ પોતાના કાવતરાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમબ્રાન્ચે તેમને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમબ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે જાવેદ ઉર્ફે બબલુ કુરેશી, તેના સાગરિત સુરેન્દ્ર યાદવ અને મનોજ જોશી નામના શખ્સોની ધરપકડ કરી હતી. એટલું જ નહીં તેમની પાસેથી 40થી વધારે પ્લેન ચાવીઓ પણ મળી હતી. પ્રાથમિક તપાસમાં તેમણે 15થી વધારે વાહનોની ચોરી કર્યાંનું સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. ટોળકીનો મુખ્યસુત્રધાર મનોજ હોવાનું સામે આવ્યું છે. ટોળકીએ મહારાષ્ટ્રમાં 170 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ટોળકીએ મુંબઈમાં વિવિધ વિસ્તારમાંથી કેટલાક પરિચીતો પાસેથી પ્લેન ચાવીઓ ખરીદી હતી. ત્યાર બાદ મોટરકારને ટાર્ગેટ બનાવીને માત્ર પાંચ જ મિનીટમાં ચાવી બનાવીને વાહન લઈને પલાયન થઈ જતા હતા. એટલું જ નહીં ચોરેલા વાહનો રાજસ્થાનમાં માત્ર 30થી 50 હજારની કિંમતમાં કોઈ પણ દસ્તાવેજ વિના વેચી દેતા હતા. ગેંગે ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ ચોરી કર્યાંનું ખુલ્યું છે.
આ ટોળકીએ ગુજરાતના વડોદરા, ભરૂચ સહિતના શહેરોમાં 15થી વધારે વાહનોની ચોરી કર્યાંનું સામે આવ્યું છે. મનોજ અને તેના સાગરિતો ગુજરાતમાં 100થી વધારે વાહન ચોરીના ગુનાને અંજામ આપવા આવ્યાં હતા. જો કે, તે પહેલા જ ક્રાઈમબ્રાન્ચે તેમને ઝડપી લીધા છે. તેમની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ક્રાઈમબ્રાન્ચે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે.