અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ વિભાગો સક્રિય બન્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી શાળાઓ ખૂલતા જ સ્કુલવાનના ચેકિંગ માટે આરટીઓને રાજ્ય સરકારે સુચના આપી છે. આરટીઓ દ્વારા ખાસ ટીમો બનાવીને સ્કૂલવાનનું ચેકિંગ કરવામાં આવશે.
રાજ્યમાં 13મી જુનથી શાળાઓ શરૂ થશે. બાળકોને તેમના ઘેરથી શાળાએ લઈ જતી અને લાવતી સ્કૂલ વાન અને રિક્ષામાં સુરક્ષાને ધ્યાને લઈને વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીને તપાસ સઘન કરવા માટેના આદેશ કર્યાં છે. આગામી દિવસોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો હોવાથી કડક પગલાં ભરી શકાય તે માટે ગાંધીનગર આરટીઓ કચેરીના 3 ઈન્સપેક્ટરોની સ્પેશ્યલ ટીમ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં તમામ આરટીઓ કચેરી દ્વારા ખાસ ટીમો બનાવીને ચેકિંગ કરવામાં આવશે.
ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા છેલ્લા સપ્તાહમાં કરાયેલાં ચેકિંગમાં 38 હજારથી વધારેનો મેમો 10 સ્કૂલવાનને ફટકારવામાં આવ્યો હતો. જ્યારે બે સ્કુલવાનમાં ગેરકાયદે નાંખવામાં આવેલી સીએનજી કીટને પણ દૂર કરીને કુલ 10 હજારનો મેમો આપવામાં આવ્યો હતો. શાળાઓ શરૂ થયાં બાદ આરટીઓની સ્પેશ્યલ ટીમ જિલ્લાના દરેક સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરીને નિયમોનુ પાલન ન કરતાં વાહનચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. સ્કૂલવાનમાં ફાયર એલાર્મ અને દુર્ધટનાના સમયે પ્રોટેક્શન સિસ્ટમ છે કે નહી તેમજ નિયત કરેલ ગતિમર્યાદામાં જળવાય છે કે નહીં. આ તમામ પ્રકારના મુદ્દે આરટીઓની સ્પેશ્યલ ટીમ ચેકિંગ કરશે. નિયમોનું ઉલ્લંધન કરીને ગેરકાયદે ચલાતાં વાહનોને ડિટેઈન કરી તેનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા સુધીના કડક પગલાં તંત્ર દ્વારા ભરવામાં આવશે.