Site icon Revoi.in

ગુજરાતમાં દર મહિને સરેરાશ 3 લાખ લોકોને માસ્ક વિના પકડીને રૂ. 20 કરોડના દંડની વસુલાત

Social Share

રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે અને તેના કારણે કોરોનાવાયરસના સંક્રમણથી લોકોને રાહત પણ મળી છે. હવે વધારે રાહત મળતા આગામી સમયમાં માસ્ક ન પહેરવા પર દંડ પણ ઓછો થઈ શકે તેમ છે.

સમગ્ર ગુજરાતમાં હાલ માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરવા પર હાઇકોર્ટના આદેશ મુજબ રૂ.1000નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે આ દંડની રકમને ઘટાડીને 500 રૂપિયા કરવા માટે રાજ્ય સરકાર નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહીં પહેરવા બદલનો દંડ રૂ. 1,000થી ઘટાડીને રૂ.500 કરવા ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં 7 મે સુધી દંડ પેટે રૂપિયા 202 કરોડ વસૂલવામાં આવ્યા હતા.

10 મહિના પહેલા મુખ્યમંત્રીએ જ માસ્ક વિના ફરતાં લોકોને ખૂબ ઊંચો દંડ ન કરવો જોઇએ તમ નક્કી કરી અને આખા રાજ્યમાં એક જ ધોરણ અનુસાર 200 રૂપિયાનો દંડ જ લેવો તેવો હુકમ કર્યો હતો. જો કે તે પછી દંડની રકમ વધારીને 500 રૂપિયા કરાઇ હતી. જોકે તે પછી હાઇકોર્ટના આદેશ અનુસાર સરકારે પોતાની દંડસંહિતા બદલીને તેમાં 1000 રૂપિયાની જોગવાઇ કરી હતી.

ગત 21 નવેમ્બર સુધી રૂપિયા 78 કરોડ વસૂલવામાં આવ્યા હતા. તથા 15 જૂનથી 7 મે મહિના ‌સુધી કુલ 200 કરોડથી વધારે દંડ વસુલ કરાયો છે. દર મહિને સરેરાશ રૂપિયા 20 કરોડની કમાણી સરકારને માસ્કના દંડની આવકમાંથી થઈ છે અને દર મહિને સરેરાશ 3 લાખથી વધારે કેસ કરવામાં આવી રહ્યા છે

અમદાવાદ શહેરમાં સૌથી વધારે રૂપિયા 42 કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા સુરત શહેરમાં 18 કરોડ અને રાજકોટ શહેરમાં 19 કરોડ જ્યારે વડોદરા શહેરમાં 120  કરોડની વસૂલાત કરવામાં આવી છે.